ઘણા લોકો વાઇ-ફાઇ રાઉટરના પાછળના ભાગમાં આપેલા USB પોર્ટને ધ્યાનમાં લેતા નથી. પરંતુ આ નાનકડો પોર્ટ તમારા ઘરના ઇન્ટરનેટ અનુભવને ઘણો સુધારી શકે છે. રાઉટર વાસ્તવમાં એક નાનું કમ્પ્યુટર છે, જેમાં પ્રોસેસર અને મેમરી હોય છે. આજના આધુનિક રાઉટરમાં હાઇ-સ્પીડ USB 3.0 પોર્ટ પણ મળે છે, જેનાથી યુઝર પોતાનું ઇન્ટરનેટ સેટઅપ વધુ ઉપયોગી બનાવી શકે છે.
USB પોર્ટમાં પેનડ્રાઇવ કે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક જોડીને તમે તેને પર્સનલ નેટવર્ક સ્ટોરેજ (NAS) બનાવી શકો છો. આમાં સંગ્રહિત ડેટા, ફોટા, વીડિયો કે દસ્તાવેજો ઘરના તમામ કનેક્ટેડ ડિવાઇસ – મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ ટીવી – પર એકસાથે એક્સેસ અને શેર કરી શકાય છે. જૂના રાઉટરમાં USB 2.0 (480Mbps) હોય છે, જ્યારે નવા USB 3.0 રાઉટરમાં ડેટા ટ્રાન્સફર ખૂબ ઝડપી થાય છે.
જો તમારી પાસે વાઇ-ફાઇ સપોર્ટ વગરનું જૂનું પ્રિન્ટર છે, તો પણ USB પોર્ટની મદદથી પ્રિન્ટર શેરિંગ કરી શકાય છે. પ્રિન્ટરને રાઉટર સાથે USB દ્વારા જોડીને નેટવર્કના કોઈપણ કમ્પ્યુટર કે ડિવાઇસ પરથી વાયરલેસ કમાન્ડ આપીને પ્રિન્ટ કાઢી શકાય છે. આ સુવિધા રાઉટર અને પ્રિન્ટરના સોફ્ટવેર કમ્પેટિબિલિટી પર આધાર રાખે છે.
કેટલાક રાઉટરમાં USB પોર્ટમાં 4G કે 5G ડેટા ડોંગલ લગાવવાની સુવિધા પણ મળે છે, જો રાઉટરનું સોફ્ટવેર તેને સપોર્ટ કરતું હોય. આને 'ડ્યુઅલ WAN ફેઇલઓવર' કે 'મલ્ટી-WAN' કહેવાય છે. જો મુખ્ય બ્રોડબેન્ડ કનેક્શન ખોરવાઈ જાય, તો રાઉટર આપમેળે ડોંગલ દ્વારા સેલ્યુલર ઇન્ટરનેટ પર શિફ્ટ થઈ જાય છે. આથી 'વર્ક ફ્રોમ હોમ' દરમિયાન ઇન્ટરનેટ બંધ થવાની મુશ્કેલી થતી નથી.