સત્ય. સાહસ. સંકલ્પ.

Wi-Fi સિગ્નલ ફુલ હોવા છતાં ઈન્ટરનેટ ધીમું? આ કારણો અને ઉપાય જાણો

Wi-Fi સિગ્નલ ફુલ હોવા છતાં ઈન્ટરનેટ ધીમું? આ કારણો અને ઉપાય જાણો

આજે ઘરમાં દરેક કામ Wi-Fi પર નિર્ભર છે – ઓફિસનું કામ, વેબ સિરીઝ જોવી કે ઈન્ટરનેટ પર કોઈ પણ કામ. પરંતુ ઘણી વખત Wi-Fiની સ્પીડ ધીમી પડી જાય છે. વીડિયો ચલાવતા હોય તો બફરિંગ શરૂ થાય છે અને સામાન્ય વેબસાઇટ ખુલવામાં પણ સમય લાગે છે. આવી સ્થિતિમાં લાગે કે સિગ્નલ ઓછા છે, પણ ફોન અને લેપટોપમાં Wi-Fiના સિગ્નલ ફુલ દેખાય છે. તો પછી સમસ્યા ક્યાં છે?

હકીકતમાં, Wi-Fiમાં ફુલ સિગ્નલ દેખાવાનો અર્થ એટલો જ છે કે તમારું ડિવાઇસ રાઉટર સાથે યોગ્ય રીતે કનેક્ટ થયેલું છે. ઘરમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી થવા પાછળ બ્રોડબેન્ડ કનેક્શનની સમસ્યા, રાઉટર પર વધુ લોડ, એકસાથે અનેક ડિવાઇસનો ઉપયોગ અથવા ખોટી નેટવર્ક સેટિંગ્સ જેવા કારણો હોઈ શકે છે. આ સમસ્યાઓને તમે કોઈ એક્સપર્ટની મદદ લીધા વગર જાતે જ ઠીક કરી શકો છો.

સ્પીડ ટેસ્ટ કરો અને રાઉટરને રીસ્ટાર્ટ કરો

જ્યારે ફુલ સિગ્નલ હોવા છતાં ઈન્ટરનેટ ધીમું ચાલે ત્યારે સૌથી પહેલાં તમારા ફોન અને લેપટોપ પર ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરો. જો ટેસ્ટના પરિણામમાં ડાઉનલોડ અને અપલોડ સ્પીડ તમારા બ્રોડબેન્ડ પ્લાન કરતાં ઘણી ઓછી જોવા મળે તો સમજી લો કે સમસ્યા તમારા ઘરના Wi-Fiમાં નહીં, પરંતુ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP) તરફથી હોઈ શકે છે. જોકે, જો ઈન્ટરનેટ કનેક્શન યોગ્ય હોય અને તેમ છતાં બ્રાઉઝરમાં પેજ લોડ થવામાં સમય લાગતો હોય તો એકવાર તમારા રાઉટરને ચેક કરો.

આપણા ફોનની જેમ રાઉટર પણ ઘણા અઠવાડિયાં સુધી સતત 24 કલાક ચાલુ રહેવાથી ધીમું પડી શકે છે અને તેમાં નાની-મોટી ટેકનિકલ ખામીઓ આવી શકે છે. આ સમસ્યાને ઠીક કરવાની સૌથી સરળ રીત એ છે કે રાઉટરનું પાવર બટન બંધ કરો અને લગભગ 30 સેકન્ડ રાહ જોયા પછી તેને ફરીથી ચાલુ કરો. આમ કરવાથી રાઉટરની મેમરી રિફ્રેશ થશે અને ઘણી વખત ઈન્ટરનેટની સ્પીડમાં સુધારો જોવા મળી શકે છે.

Wi-Fi સાથે કનેક્ટેડ વધારાનાં ડિવાઇસનો લોડ ઓછો કરો

આજે લગભગ દરેક ઘરમાં એક જ રાઉટર સાથે પરિવારના સભ્યોના ફોન, લેપટોપ, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અને સિક્યોરિટી કેમેરા પણ સતત કનેક્ટેડ રહે છે. જ્યારે એકસાથે આટલાં બધાં ડિવાઇસ એક જ નેટવર્ક પર સક્રિય હોય છે, ત્યારે ઉપલબ્ધ ઈન્ટરનેટ બેન્ડવિડ્થનો ઉપયોગ વિવિધ ડિવાઇસ દ્વારા થાય છે. નેટવર્ક પર વધુ લોડ પડવાથી ઈન્ટરનેટની સ્પીડ અચાનક ધીમી પડી શકે છે.

આ સમસ્યા ત્યારે વધુ ગંભીર બને છે, જ્યારે કોઈ એક ડિવાઇસ પર મોટી ફાઇલ ડાઉનલોડ થઈ રહી હોય અથવા સ્માર્ટ ટીવી પર 4K ક્વોલિટીમાં કોઈ મૂવી સ્ટ્રીમ કરવામાં આવી રહી હોય. આવી સ્થિતિમાં એક જ ડિવાઇસ બેન્ડવિડ્થનો મોટો હિસ્સો વાપરી શકે છે અને બાકીના ફોનમાં ફુલ સિગ્નલ દેખાવા છતાં ઈન્ટરનેટ અટકી-અટકીને ચાલે છે. તેથી જ્યારે પણ તમને કોઈ જરૂરી કામ માટે ઝડપી ઈન્ટરનેટની જરૂર હોય, ત્યારે ઉપયોગમાં ન હોય તેવાં ડિવાઇસને Wi-Fiથી ડિસ્કનેક્ટ કરી દો.

યોગ્ય નેટવર્ક બેન્ડ પસંદ કરો અને Wi-Fi ફરીથી કનેક્ટ કરો

આજકાલ લગભગ દરેક ઘરમાં ડ્યુઅલ-બેન્ડ રાઉટર જોવા મળે છે. તેમાં 2.4GHz અને 5GHz નામનાં બે અલગ-અલગ Wi-Fi નેટવર્ક ઉપલબ્ધ હોય છે. જોકે, ઘણા લોકો કોઈ ખાસ ધ્યાન આપ્યા વગર કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ જાય છે. જો તમે રાઉટરવાળા રૂમમાં અથવા તેની આસપાસ બેઠા હોય અને તમને વીડિયો કૉલિંગ તથા સ્ટ્રીમિંગ માટે વધુ સ્પીડ જોઈતી હોય તો 5GHz નેટવર્ક પસંદ કરી શકો છો. આ બેન્ડ સામાન્ય રીતે વધુ સ્પીડ આપે છે.

જોકે, 5GHz બેન્ડની રેન્જ પ્રમાણમાં ઓછી હોય છે. તેથી જો તમે રાઉટરથી દૂર આવેલા બીજા રૂમમાં બેઠા હોય તો ત્યાં 2.4GHz નેટવર્ક પસંદ કરવું વધુ યોગ્ય રહેશે, કારણ કે તેની કવરેજ વધુ દૂર સુધી મળી શકે છે.

આ ઉપરાંત, જો ઘરના અન્ય ડિવાઇસમાં ઈન્ટરનેટ યોગ્ય રીતે ચાલતું હોય અને માત્ર તમારા ફોનમાં જ સમસ્યા આવતી હોય તો ફોનની સેટિંગ્સમાં જઈને Wi-Fi નેટવર્કને એકવાર ફરગેટ કરો. ત્યારબાદ ફરીથી પાસવર્ડ દાખલ કરીને નેટવર્ક સાથે કનેક્ટ થાઓ. આમ કરવાથી નેટવર્ક કનેક્શન સંબંધિત કેટલીક નાની-મોટી સમસ્યાઓ દૂર થઈ શકે છે.