નવું શર્ટ, કુર્તો કે પેન્ટ ખરીદો ત્યારે ઘણીવાર તેની સાથે તે જ કાપડનો એક નાનો ટુકડો જોવા મળે છે. મોટાભાગના લોકો તેને નકામો સમજીને ફેંકી દે છે. પરંતુ કંપનીઓ આ ટુકડો કોઈ ખાસ હેતુ માટે આપે છે.
આ નાનો ટુકડો ફાટેલા કપડાંનું રિપેરિંગ કરવા, તેનો રંગ ચકાસવા અને ઇસ્ત્રી પહેલાં ગરમી સહન કરવાની ક્ષમતા ટેસ્ટ કરવા માટે ઉપયોગી બને છે.
નવા કપડાં ખરીદ્યા પછી થોડા સમયમાં તેમાં નાનું કાણું પડી જાય કે ક્યાંકથી ફાટી જાય, ત્યારે તેને સરખું કરવું મુશ્કેલ બને છે. ખાસ કરીને જ્યારે તે જ કલર કે શેડનું કાપડ બજારમાં ન મળતું હોય. આવા સમયે કપડાં સાથે આવેલો આ નાનો ટુકડો કામ આવે છે. દરજી આ ટુકડાની મદદથી અંદરથી થીગડું કે રફુ કરી શકે છે. જેથી અલગથી મેચિંગ કાપડ શોધવાની જરૂર પડતી નથી.
નવા કપડાં ધોતી વખતે તેનો રંગ નીકળશે કે નહીં તે પહેલેથી જાણી શકાતું નથી. અમુક ફેબ્રિક ડિટર્જન્ટ કે પાણીના સંપર્કમાં આવતા જ કલર છોડવા લાગે છે. તેથી મુખ્ય કપડું ધોતાં પહેલાં આ નાના ટુકડાને પાણી અને સાબુમાં પલાળીને ટેસ્ટ કરી શકાય છે કે તેમાંથી રંગ છૂટે છે કે નહીં. જો રંગ નીકળતો હોય તો મુખ્ય કપડાંને અલગથી સાવચેતીપૂર્વક ધોઈ શકાય છે.
દરેક કાપડને એક સરખા તાપમાને ઇસ્ત્રી કરી શકાતી નથી. અમુક સિન્થેટિક કે નાજુક કાપડ વધુ ગરમ ઇસ્ત્રીના સંપર્કમાં આવતાં જ બળી જાય છે કે સંકોચાઈ જાય છે. આવા સમયે કાપડના આ નાના ટુકડા પર ઇસ્ત્રી ફેરવીને ગરમીની ચકાસણી કરી શકાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે તે કાપડ ગરમી સહન કરી શકે છે કે નહીં.
દરેક કપડાં સાથે આવો ટુકડો મળે છે એવું નથી. આ બાબત કપડાંની બ્રાન્ડ, તેની ક્વોલિટી અને પેકિંગની પદ્ધતિ પર નિર્ભર કરે છે. પ્રીમિયમ અથવા ખાસ ડિઝાઇનર કપડાં સાથે બટનની સાથે આ કાપડ પણ આપવામાં આવે છે.
હવે પછી જ્યારે તમારા નવા કપડાં સાથે આવો ટુકડો મળે, તો તેને તરત ફેંકી દેવાને બદલે સંભાળીને કબાટમાં રાખી મૂકો. કપડું ફાટી જાય ત્યારે રિપેરિંગમાં કે કલર-હીટ ચેક કરવામાં તે ઉપયોગી નીવડશે. આ ઉપરાંત, કપડાંને સુરક્ષિત રાખવા માટે તેના પર આપેલા વોશિંગ ઇન્સ્ટ્રક્શન લેબલને વાંચવું પણ એટલું જ જરૂરી છે.