સત્ય. સાહસ. સંકલ્પ.

ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી 9.92% પર પહોંચી: આ વર્ષનો સૌથી ઊંચો દર

ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી 9.92% પર પહોંચી: આ વર્ષનો સૌથી ઊંચો દર

દેશમાં જથ્થાબંધ મોંઘવારી ઓગસ્ટ મહિનામાં વધીને 9.92 ટકા થઈ ગઈ છે. જુલાઈમાં આ દર 9.78 ટકા હતો. સરકારે 14 સપ્ટેમ્બરે આ આંકડા જાહેર કર્યા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના આઠ મહિનામાં આ સૌથી ઊંચો દર છે.

ખાદ્યપદાર્થો, ઇંધણ, વીજળી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવ વધવાને કારણે જથ્થાબંધ મોંઘવારીમાં આ વધારો નોંધાયો છે. મોંઘવારી દર 9.92 ટકા હોવાનો અર્થ એ છે કે જે વસ્તુ ગયા વર્ષે આ સમયે જથ્થાબંધ બજારમાં 100 રૂપિયામાં મળતી હતી, તે આજે આશરે 109.78 રૂપિયાની થઈ ગઈ છે.

આ વર્ષે જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી 1.81 ટકા હતી. ફેબ્રુઆરીમાં 2.13 ટકા, માર્ચમાં 3.88 ટકા, એપ્રિલમાં 8.26 ટકા, મેમાં 9.68 ટકા, જૂનમાં 9.87 ટકા અને જુલાઈમાં 9.78 ટકા રહી હતી.

જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)માં ત્રણ મુખ્ય વિભાગોનો સમાવેશ થાય છે. પ્રાથમિક વસ્તુઓનું વજન 22.62 ટકા છે, જેમાં અનાજ અને શાકભાજી જેવા ખાદ્યપદાર્થો તથા તેલીબિયાં જેવી બિન-ખાદ્ય વસ્તુઓ અને ખનિજો આવે છે. ઇંધણ અને વીજળીનું વજન 13.15 ટકા છે. સૌથી વધુ વજન 64.23 ટકા ઉત્પાદિત વસ્તુઓનું છે.

જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહે તો તેની અસર ઉત્પાદન ક્ષેત્રો પર પડે છે. ભાવ ઊંચા રહે તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર ટેક્સ દ્વારા WPIને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો ત્યારે સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, ટેક્સમાં ઘટાડો એક મર્યાદામાં જ કરી શકાય છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક અને રબર જેવી ફેક્ટરી સંબંધિત વસ્તુઓનું વજન વધુ હોય છે.

ભારતમાં મોંઘવારી બે પ્રકારની માપવામાં આવે છે. એક છૂટક મોંઘવારી, જેને ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) કહેવાય છે. તે સામાન્ય ગ્રાહક ચૂકવે છે તે ભાવ પર આધારિત હોય છે. બીજી જથ્થાબંધ મોંઘવારી, જેમાં જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી લે છે તે ભાવ ગણવામાં આવે છે.

જથ્થાબંધ મોંઘવારીમાં ઉત્પાદિત વસ્તુઓનો હિસ્સો 63.75 ટકા, પ્રાથમિક વસ્તુઓ જેમ કે ખાદ્યપદાર્થોનો 22.62 ટકા અને ઇંધણ તથા વીજળીનો 13.15 ટકા છે. છૂટક મોંઘવારીમાં ખાદ્યપદાર્થો અને ઉત્પાદનોની ભાગીદારી 45.86 ટકા, આવાસની 10.07 ટકા અને ઇંધણ સહિતની અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.