સત્ય. સાહસ. સંકલ્પ.

ચા પીવાનું કોને બંધ કરવું જોઈએ? આ લોકો માટે ચા બની શકે છે નુકસાનકારક

ચા પીવાનું કોને બંધ કરવું જોઈએ? આ લોકો માટે ચા બની શકે છે નુકસાનકારક

ભારતીય ઘરોમાં દિવસની શરૂઆત ગરમ ચાના ઘૂંટડા સાથે થાય છે. ચા તાજગી આપે છે, પણ કેટલાક લોકો માટે તે નુકસાનકારક બની શકે છે. ચામાં રહેલું કેફીન અને ટેનિન તરત જ એનર્જી આપે છે, પરંતુ લાંબા ગાળે એસિડિટી અને પોષક તત્વોની ઊણપ સર્જી શકે છે.

ગેસ્ટ્રોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ચામાં હાજર ટેનિન ચાને ડાર્ક કલર અને કડક સ્વાદ આપે છે. તે તરત જ એનર્જી બૂસ્ટ કરે છે, પણ થોડી વાર પછી થાક પણ અનુભવાઈ શકે છે. ટેનિન એન્ટી-ઓક્સિડન્ટ્સ છે, પરંતુ તેનું વધુ પડતું સેવન ગેસ્ટ્રિક બેરિયરને ઈરિટેટ કરે છે, જેનાથી એસિડિટી કે બળતરા થઈ શકે છે.

ચામાં દૂધ અને ખાંડ ઉમેરવાથી કેલરી અને સુગરનું પ્રમાણ વધે છે, જે ઈન્સ્યુલિનના સ્તરને પ્રભાવિત કરી શકે છે. કેટલીક તબીબી પરિસ્થિતિઓમાં ચાનું સેવન ટાળવું જોઈએ.

ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ધરાવતા લોકોએ ખાસ કરીને ગંભીર સ્થિતિમાં ચા પીવાથી બચવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પણ ચાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ, કારણ કે તેમાં રહેલું કેફીન પ્લેસેન્ટા દ્વારા બાળક સુધી પહોંચી શકે છે.

શરીરમાં આયર્નની ઊણપ હોય તો પણ ચાનું સેવન ઓછું કરવું અથવા બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને એંગ્ઝાયટી કે પેનિક એટેકની સમસ્યા હોય, તેમણે પણ કેફીનવાળી ચાનું સેવન ટાળવું જોઈએ.

જો કોઈ તબીબી સમસ્યા ન હોય તો પણ દરરોજ બે કપથી વધુ ચા ન પીવો. સારી ઊંઘ માટે સાંજે પાંચ વાગ્યા પછી ચા ન પીવો. ચામાં રિફાઈન્ડ સુગર (સફેદ ખાંડ)નો ઉપયોગ ટાળો. સવારે ખાલી પેટ ચા પીવી પાચનતંત્ર માટે નુકસાનકારક છે. સવારે પહેલાં હૂંફાળું પાણી પીવું, હળવો નાસ્તો કરવો અને પછી 45 મિનિટ બાદ ચા પીવી. ચાને ભારે ખોરાક સાથે ક્યારેય ન પીવો, કારણ કે તે આયર્ન, ઝિંક અને પ્રોટીનના શોષણને રોકે છે. ભોજન લેવાના 45 મિનિટ પહેલાં અને પછી ચા પીવાથી બચો.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.