કેન્સર સામાન્ય રીતે ખરાબ જીવનશૈલી, તમાકુ, દારૂ કે વારસાગત કારણોસર થાય છે એવું આપણે માનીએ છીએ. પણ 'ધ લેન્સેટ ઓન્કોલોજી'માં પ્રકાશિત એક નવા અભ્યાસે ચિંતા વધારી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC)ના સંશોધકોના જણાવ્યા મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 1.9 લાખ નવા કેન્સરના કેસ માત્ર બેક્ટેરિયલ અને વાયરલ ચેપને કારણે નોંધાય છે. લાંબા સમય સુધી શરીરમાં રહેલા કેટલાક સામાન્ય ચેપ પાછળથી કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે.
રિપોર્ટ મુજબ, 2024માં ભારતમાં કુલ 15.62 લાખથી વધુ નવા કેન્સરના દર્દી નોંધાયા હતા. તેમાંથી 12 ટકાથી વધુ દર્દીઓને કોઈ જૂના ચેપને કારણે કેન્સર થયું હતું. વૈશ્વિક સ્તરે પણ કુલ કેન્સરના કેસોના આશરે 12 ટકા એટલે કે લગભગ 2.3 મિલિયન કેસ આ પ્રકારના અટકાવી શકાય તેવા ચેપને કારણે થાય છે.
રિપોર્ટમાં હ્યુમન પેપિલોમાવાયરસ (HPV)ને સૌથી મોટું કારણ ગણાવાયું છે. આ એક વાયરસ દેશમાં દર વર્ષે 1 લાખથી વધુ કેન્સરના કેસ માટે જવાબદાર છે, ખાસ કરીને સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર માટે. રાહતની વાત એ છે કે સમયસર રસી આપીને આ ખતરો ઘટાવી શકાય છે. પણ જાગૃતિના અભાવે આંકડો વધી રહ્યો છે.
HPV પછી બીજો મોટો ખતરો પેટના ચેપનો છે. 'હેલિકોબેક્ટર પાયલોરી' બેક્ટેરિયા દર વર્ષે આશરે 47,000 કેન્સરના કેસનું કારણ બને છે, જે પાછળથી પેટના કેન્સરમાં પરિણમે છે.
હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી વાયરસ લિવરને નુકસાન પહોંચાવે છે અને અનુક્રમે લિવર કેન્સરના આશરે 10,000 અને 5,300 નવા કેસ માટે જવાબદાર છે. એપ્સટિન-બાર વાયરસ પણ લગભગ 22,000 કેન્સરના દર્દીઓ માટે જવાબદાર હોવાનું જણાયું છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે યોગ્ય સમયે જાગૃતિ અને સારવારથી લાખો જીવ બચાવી શકાય છે. નિયમિત સ્વાસ્થ્ય તપાસ, સમયસર રસીકરણ અને યોગ્ય સારવારથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. નાની ઉંમરે છોકરીઓને HPV રસી અને નવજાત શિશુઓને જન્મતાની સાથે હેપેટાઇટિસ B રસી આપવી અસરકારક પગલાં છે. પેટની લાંબી સમસ્યાઓ કે ચેપને અવગણવાને બદલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.