સત્ય. સાહસ. સંકલ્પ.

વ્હાઇટ હાઉસમાં ચીની ફોટોગ્રાફરો અને સિક્રેટ સર્વિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, સ્ટેટ ડિનર પહેલાં તણાવ

વ્હાઇટ હાઉસમાં ચીની ફોટોગ્રાફરો અને સિક્રેટ સર્વિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, સ્ટેટ ડિનર પહેલાં તણાવ

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના સન્માનમાં યોજાનારા સ્ટેટ ડિનર પહેલાં સુરક્ષા એજન્સીઓ અને મીડિયાકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કેમેરા ગોઠવવા અને જગ્યા ફાળવવાને લઈને ચીની ફોટોગ્રાફરો, વ્હાઇટ હાઉસના સ્ટાફ અને યુએસ સિક્રેટ સર્વિસના જવાનો વચ્ચે તકરાર થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆન માટે વ્હાઇટ હાઉસ ખાતે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ પહેલાં વ્હાઇટ હાઉસ પરિસરમાં આ બોલાચાલીની ઘટના બની હતી. દસ વર્ષથી વધુ સમય પછી ચીની રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત છે, અને તે દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ક્ષણિક તણાવ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ચીની ફોટોગ્રાફરોએ કેમેરા ગોઠવવાની રીત અને જગ્યા ફાળવણી અંગે સુરક્ષા નિયમોનું પાલન ન કરતાં ચર્ચા શરૂ થઈ હતી. જે બાદમાં ઉગ્ર દલીલોમાં ફેરવાઈ ગઈ. આ ઘટનાને લઈને વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ એવા સમયે અમેરિકા પહોંચ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે વેપાર, કૃત્રિમ બુદ્ધિ (AI), ઈરાન અને તાઈવાન સહિત અનેક મુદ્દે તણાવ છે. આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે.

ચીની રાષ્ટ્રપ્રમુખના આગમન અંગે અમેરિકાની આંતરિક રાજકારણમાં પણ વિરોધના અવાજો ઉઠ્યા છે. સેનેટની આર્મ્ડ સર્વિસીસ કમિટીના અધ્યક્ષ સેનેટર રોજર વિકરે આ મુલાકાત સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન સાથેના ગંભીર મતભેદોને જોતાં પ્રમુખ ટ્રમ્પે શી જિનપિંગને આમંત્રણ આપવું ન જોઈતું. તેમણે ઉમેર્યું કે ડિનરમાં ચીનના સૈન્ય વિસ્તાર અને ઈરાનને ચીન તરફથી મળતા સમર્થન જેવા મુદ્દા ઉઠાવવા જોઈએ.

બીજી તરફ, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ બેઠકનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે અને વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓ ધરાવે છે. વૈશ્વિક શાંતિ, આર્થિક સ્થિરતા અને કોઈપણ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે ટોચના સ્તરે બંને દેશો વચ્ચે સતત સંવાદ ચાલુ રહેવો જરૂરી છે.