સત્ય. સાહસ. સંકલ્પ.

વોટ્સએપમાં આવી રહ્યું 'મેસેજ શેડ્યૂલ' ફીચર, ગ્રુપ અને પર્સનલ ચેટમાં પણ થશે કામ

વોટ્સએપમાં આવી રહ્યું 'મેસેજ શેડ્યૂલ' ફીચર, ગ્રુપ અને પર્સનલ ચેટમાં પણ થશે કામ

વોટ્સએપ ટૂંક સમયમાં જ 'મેસેજ શેડ્યૂલ' (Message Schedule) ફીચર લાવી રહ્યું છે. જે યુઝર્સ રાત્રે 12 વાગ્યે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે જાગે છે, તેમના માટે આ રાહતના સમાચાર છે. આ ફીચરથી મેસેજ અગાઉથી લખીને શેડ્યૂલ કરી શકાશે.

ઘણા સમયથી વોટ્સએપ યુઝર્સ મેસેજ શેડ્યૂલ કરવાના ઓપ્શનની રાહ જોઈ રહ્યા હતા. તાજેતરના એક રિપોર્ટ મુજબ, કંપનીએ કેટલાક એન્ડ્રોઇડ બીટા યુઝર્સ સાથે આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

આ ફીચર ફક્ત ટેક્સ્ટ મેસેજ જ નહીં, પરંતુ લિંક, ફોટો અને વીડિયોને પણ શેડ્યૂલ કરવાની સુવિધા આપશે. આ ફીચર ગ્રુપ અને વ્યક્તિગત (અંગત) ચેટ બંને માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે. શેડ્યૂલ કરેલો મેસેજ મોકલાય તે પહેલાં યુઝર તેને ચેક કરી શકશે અને ડિલીટ પણ કરી શકશે.

વોટ્સએપ ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ WABetaInfo મુજબ, વોટ્સએપ બીટાના એન્ડ્રોઇડ વર્ઝન 2.26.40.7માં આ ફીચર જોવા મળ્યું છે. મેસેજ શેડ્યૂલ કરવા માટે પહેલાં મેસેજ ટાઇપ કરવો પડશે અને પછી સેન્ડ બટનને દબાવી રાખવું પડશે. જો ફીચર ઉપલબ્ધ હશે, તો તારીખ અને ડિલિવરી ટાઇમ સેટ કરવાનો ઓપ્શન દેખાશે.

આ ફીચર ટેક્સ્ટ મેસેજ, લિંક, ફોટો અને વીડિયોને સપોર્ટ કરે છે. જોકે, યુઝર એક સમયે ફક્ત એક જ ફોટો કે વીડિયો શેડ્યૂલ કરી શકશે. શેડ્યૂલ કરતા પહેલાં ઇમેજને એડિટ કરી શકાશે અથવા કેપ્શન ઉમેરી શકાશે. રિપોર્ટ અનુસાર, મેસેજને 10 મિનિટ પહેલાંથી લઈને 2 અઠવાડિયા સુધી અગાઉથી શેડ્યૂલ કરી શકાશે.

જો નિર્ધારિત સમયે ફોન ઓફલાઇન હોય અથવા એપ બંધ હોય, તો પણ મેસેજ આપમેળે મોકલાવાની ધારણા છે. આ ફીચર ગ્રુપ ચેટમાં પણ કામ કરશે, પરંતુ મેસેજ શેડ્યૂલ કરતી વખતે જે સભ્યો ગ્રુપમાં હતા, તેમને જ મેસેજ મળશે. પછીથી જોડાનારા સભ્યોને તે મેસેજ મળવાની શક્યતા નથી.

યુઝર્સને ચેટ ઇન્ફો સ્ક્રીનમાં એક ખાસ સેક્શન પણ મળી શકે છે, જેનાથી તેઓ શેડ્યૂલ કરેલા મેસેજને મોકલતા પહેલાં જોઈ શકશે અને ડિલીટ કરી શકશે. જો કોઈ યુઝર શેડ્યૂલ કરેલો મેસેજ ડિલીટ કરે છે, તો જેને મેસેજ મળવાનો હતો તેને આ અંગે કોઈ નોટિફિકેશન મળશે નહીં. આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને સપોર્ટ કરશે.