વોટ્સએપ પર મેસેજ મોકલવાના 14 પૈસા ચૂકવવા પડશે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આ માહિતી સંપૂર્ણપણે ખોટી નથી, પરંતુ તે સામાન્ય વપરાશકર્તાઓને લાગુ પડતી નથી. આ નિયમ ફક્ત વોટ્સએપ બિઝનેસ API (WhatsApp Business API) નો ઉપયોગ કરતા વ્યવસાયોને લાગુ પડે છે.
મેટા (Meta) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પ્રાઇસિંગ ડોક્યુમેન્ટ્સ મુજબ, 1 ઓક્ટોબર 2026થી સર્વિસ અને યુટિલિટી મેસેજિંગના દરમાં ફેરફાર થઈ રહ્યો છે. દરેક બિઝનેસ નંબરને દર મહિને પ્રથમ 1,000 સર્વિસ મેસેજ મફત મળશે. તે પછીના દરેક સર્વિસ મેસેજ માટે લગભગ 14 પૈસા (GST સહિત) ચૂકવવા પડશે.
આ ફેરફારની અસર મુખ્યત્વે એવા વ્યવસાયો પર પડશે જે ગ્રાહકોને ઓર્ડર અપડેટ, એપોઇન્ટમેન્ટ રિમાઇન્ડર, બિલિંગ સંબંધિત માહિતી કે અન્ય સેવા સંદેશા મોકલવા માટે વોટ્સએપ બિઝનેસ API નો ઉપયોગ કરે છે. સામાન્ય વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે વોટ્સએપ પર મેસેજ મોકલવો હજી પણ મફત રહેશે.
ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ બિઝનેસ API એ વ્યવસાયો માટે બનાવવામાં આવેલી સેવા છે, જેનો ઉપયોગ કંપનીઓ ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે કરે છે. આ સેવાના બિલિંગ નિયમો સમયાંતરે બદલાતા રહે છે. નવા દર 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે.
આ નિર્ણયથી વ્યવસાયોના ખર્ચમાં વધારો થઈ શકે છે, જેની અસર ગ્રાહકો પર પડવાની શક્યતા છે. જોકે, હાલમાં કોઈ પણ સત્તાવાર સૂત્રોએ આ અંગે વધુ સ્પષ્ટતા કરી નથી.