WhatsApp ટૂંક સમયમાં પોતાના પ્લેટફોર્મ પર અનેક નવા ફીચર્સ અને મોટા ફેરફારો લાવી શકે છે. કંપનીના નવા વડા કુણાલ શાહે ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કંપનીનું ધ્યાન ત્રણ મહત્વની બાબતો પર કેન્દ્રિત છે: મેસેજિંગ અનુભવને બહેતર બનાવવો, રોજિંદા કાર્યોને સરળ કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવો. એટલે કે આગામી સમયમાં યુઝર્સને વધુ સારા વોઇસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકર્સ અને વીડિયો સંબંધિત ફીચર્સ મળી શકે છે. આ ઉપરાંત WhatsApp દ્વારા બિલ ભરવું, લોન લેવી અને પ્રવાસ દરમિયાન મોબાઇલ સેવાઓનો ઉપયોગ કરવો પણ વધુ સરળ બની શકે છે.
WhatsApp ના વડા કુણાલ શાહે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા કંપનીના ભાવિ આયોજનની રૂપરેખા શેર કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીએ એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે યુઝર્સ આ મેસેજિંગ એપ પાસેથી વાસ્તવમાં શું અપેક્ષા રાખે છે. તેના આધારે જ WhatsApp માં ઘણા સુધારા કરવામાં આવશે.
કુણાલ શાહના જણાવ્યા અનુસાર, WhatsApp પર દરરોજ 10 અબજથી વધુ વોઇસ મેસેજ મોકલવામાં આવે છે. આ ઉપરાંત યુઝર્સ દરરોજ 4 અબજથી વધુ સ્ટીકર્સ પણ શેર કરે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કંપની વોઇસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકર્સ અને વીડિયોના ઉપયોગને પહેલાં કરતાં વધુ સરળ અને સુવિધાજનક બનાવવા પર કામ કરી રહી છે.
કંપનીનું બીજું મોટું લક્ષ્ય WhatsApp દ્વારા દૈનિક જરૂરિયાતોને સરળ બનાવવાનું છે. આ માટે કંપની બેંકિંગ અને ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આગામી સમયમાં યુઝર્સ WhatsApp એપની બહાર ગયા વગર જ વીજળી-પાણીના બિલ ભરી શકશે, નાણાં ઉધાર (લોન) લેવા જેવી સેવાઓનો લાભ મેળવી શકશે અને વિદેશ પ્રવાસ દરમિયાન મોબાઇલ કનેક્ટિવિટીને લગતાં કામો પૂર્ણ કરી શકશે. જોકે, આ સેવાઓ ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ હજુ જાહેર કરાઈ નથી.
કુણાલ શાહે વધુમાં જણાવ્યું કે WhatsApp પર દરરોજ 100 અબજથી વધુ મેસેજ અને 2 અબજ કોલ થાય છે. તેમણે ભાર મૂક્યો કે વિશ્વાસ એ સૌથી અગત્યનો ભાગ છે અને તેને જાળવી રાખવા માટે કંપની પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વ્યક્તિગત મેસેજ અને કોલ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે અને એપ સરળ, વિશ્વસનીય અને ખાનગી રહે તે માટે કંપની કટિબદ્ધ છે.