દિવસભર મિત્રો, ઓફિસ કે પરિવાર તરફથી WhatsApp પર મેસેજ આવતા રહે છે. બધાને સમયસર જવાબ આપવો મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનો ઉકેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે, જે તમારા વતી જવાબ તૈયાર કરી શકે છે.
WhatsAppમાં આ માટે ‘ઓટો-રિપ્લાય’ (auto-reply) ફીચર છે. તેને એકવાર ચાલુ કર્યા પછી, જ્યારે તમે વ્યસ્ત હોવ ત્યારે મેસેજ મોકલનારને આપમેળે પહેલેથી લખેલો સંદેશ મળે છે. જો AI આ ફીચર સાથે જોડાયેલું હોય, તો તે તમારી ભાષામાં યોગ્ય જવાબ તૈયાર કરી મોકલે છે.
આ ફીચર ક્યાં મળે છે?
ઓટો-રિપ્લાય ફીચર સામાન્ય WhatsAppમાં ઉપલબ્ધ નથી. તે WhatsApp Business એપમાં મળે છે, જે Play Store અને App Store પર ઉપલબ્ધ છે. દુકાનદારો, ફ્રીલાન્સર્સ અને નાના વ્યવસાયના માલિકો તેનો ઉપયોગ કરે છે. આ માટે અલગ નંબર વાપરવો સારો રહે છે. જો હાલનો નંબર વાપરવો હોય, તો પહેલાં ચેટનો બેકઅપ લઈ લેવો.
Android ફોન પર સેટ કેમ કરવું:
- WhatsApp Business એપ ખોલો અને બિઝનેસ પ્રોફાઇલ બનાવો.
- ઉપર જમણા ખૂણામાંના ત્રણ ટપકાં પર ટેપ કરો.
- ‘Business Tools’ પર જાઓ.
- ‘Away Message’ અથવા ‘Greeting Message’ પસંદ કરો.
iPhone પર સેટ કેમ કરવું:
- WhatsApp Business એપ ખોલો.
- નીચે જમણી બાજુ ‘Settings’ પર ટેપ કરો.
- ‘Business Tools’ પર જાઓ.
- ‘Away Message’ અથવા ‘Greeting Message’ પસંદ કરો.
- ‘Send Away Message’ સ્વિચ ચાલુ કરો.
બે મેસેજ વચ્ચે શું તફાવત છે?
જ્યારે કોઈ પહેલીવાર સંપર્ક કરે ત્યારે ‘ગ્રીટિંગ મેસેજ’ મોકલાય છે. જ્યારે તમે ઉપલબ્ધ ન હોવ ત્યારે ‘અવે મેસેજ’ મોકલાય છે. બંનેને એકસાથે પણ ચાલુ રાખી શકાય છે.
AI દ્વારા ઓટો-રિપ્લાય કેમ ચાલુ કરવું?
બિઝનેસ એકાઉન્ટ ગ્રાહકોને આપમેળે જવાબ આપે તે માટે ‘Meta Business Agent’ વિકલ્પ પસંદગીના બિઝનેસ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ છે. તેને સેટ કરવા WhatsApp Businessમાં ‘Tools’ ટેબ ખોલો અને ‘AI agent’ વિકલ્પ શોધો. ત્યારબાદ સ્ક્રીન પરની સૂચનાઓ અનુસરો. સેટઅપ પૂર્ણ થયા પછી ‘Your AI agent’ પર જાઓ અને ‘AI replies’ વિકલ્પથી નક્કી કરો કે AI કઈ ચેટ્સના જવાબ આપે.
આ સુવિધા હાલમાં ફક્ત પસંદગીના દેશો અને ચોક્કસ બિઝનેસ એકાઉન્ટ્સ માટે જ ઉપલબ્ધ છે. જો ‘AI agent’ વિકલ્પ દેખાતો ન હોય, તો તમારા એકાઉન્ટને તેની ઍક્સેસ મળી નથી. તેથી આ સુવિધા ચાલુ કરતાં પહેલાં વિચારો કે AIની મદદ ફક્ત જવાબનો મુસદ્દો તૈયાર કરવા જોઈએ છે કે ગ્રાહકોને આપમેળે જવાબ મોકલવા. ખોટી માહિતી ન જાય તે માટે AI દ્વારા તૈયાર થયેલા જવાબોની સમીક્ષા કરવી પણ જરૂરી છે.