ચોમાસામાં મોબાઈલ ફોન પલળવો સામાન્ય છે. ઘણીવાર ફોન ખિસ્સામાં હોય ત્યારે વરસાદમાં ભીંજાય જાય છે અથવા અજાણતાં પાણીમાં પડી જાય છે. આવા સમયે લોકો ઉતાવળમાં ફોન ચાલુ થાય છે કે નહીં તે જોવા ચાર્જર લગાવી દે છે. પરંતુ આ ઉતાવળ ફોનને કાયમ માટે બગાડી શકે છે.
ભીના ફોનને ચાર્જ કેમ ન કરવો? મોબાઈલની અંદર ઘણા નાના ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ અને સર્કિટ હોય છે. ફોન પલળવાથી ભેજ અંદર સુધી પહોંચી જાય છે. જો આ સ્થિતિમાં ચાર્જર લગાવવામાં આવે તો કરંટ ભેજવાળા ભાગોમાંથી પસાર થાય છે, જેનાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને મધરબોર્ડ બળી જવાનો ખતરો રહે છે. તેથી ફોન સંપૂર્ણ સુકાય ન જાય ત્યાં સુધી ચાર્જિંગથી દૂર રાખો.
ફોન પાણીમાં પડે તો તરત શું કરવું? સૌથી પહેલાં ફોનને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક બંધ કરી દો. ચાલુ રહેવાથી અંદરનો ભેજ સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે. ફોનનું કવર તરત કાઢી લો અને શક્ય હોય તો સિમ કાર્ડ તથા મેમરી કાર્ડ ટ્રે બહાર કાઢી લો. ફોનને જોરથી હલાવવો કે ઝાટકવો નહીં, કારણ કે એનાથી અંદરનું પાણી બીજા ભાગોમાં પહોંચી શકે છે.
શું ફોનને ચોખામાં રાખવો યોગ્ય છે? ભીના ફોનને ચોખામાં રાખવાની રીત જૂની છે, પણ ટેક નિષ્ણાતો તેને સંપૂર્ણ સલામત માનતા નથી. ચોખા ભેજ શોષે છે, પણ તેના નાના કણો ચાર્જિંગ પોર્ટ, સ્પીકર કે હેડફોન જેકમાં ફસાઈ શકે છે. તેના બદલે ફોનને સૂકી અને હવાદાર જગ્યાએ મૂકવો સારો. ઘરમાં સિલિકા જેલના પાઉચ હોય તો ફોનની આસપાસ રાખી શકાય.
હેર ડ્રાયરનો ઉપયોગ કેમ ન કરવો? ફોનને ઝડપથી સુકવવા હેર ડ્રાયરની ગરમ હવા વાપરવી નહીં. ડ્રાયરની ગરમીથી ડિસ્પ્લે, નાજુક પાર્ટ્સ અને બેટરીને ગંભીર નુકસાન થઈ શકે છે. ફોનને રૂમના સામાન્ય તાપમાને સુકાવા દો. સીધા તડકામાં રાખવાનું પણ ટાળો.
કેટલા સમય પછી ફોન ચાલુ કરવો? ફોનને સુકાવા માટે ઓછામાં ઓછા 24 થી 48 કલાક આપો. આ સમય દરમિયાન વારંવાર ચાલુ કરીને તપાસવાની ભૂલ ન કરો. જો સંપૂર્ણ સુકાયા પછી પણ ફોન ચાલુ ન થાય, ચાર્જ ન થાય કે સ્પીકરમાંથી અવાજ સરખો ન આવે, તો જાતે ખોલવાનો પ્રયાસ ન કરો. અધિકૃત સર્વિસ સેન્ટર પર જ લઈ જાઓ.