સત્ય. સાહસ. સંકલ્પ.

UP-બિહાર જતા મુસાફરો માટે પશ્ચિમ રેલવેની બે સ્પેશિયલ ટ્રેન, 20 અને 21 નવેમ્બરે દોડશે

UP-બિહાર જતા મુસાફરો માટે પશ્ચિમ રેલવેની બે સ્પેશિયલ ટ્રેન, 20 અને 21 નવેમ્બરે દોડશે

પશ્ચિમ રેલવેએ અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતા મુસાફરો માટે બે વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો 20 અને 21 નવેમ્બર, 2026ના રોજ સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર વચ્ચે ચાલશે.

ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી નિયમિત ટ્રેનોમાં મુસાફરોની વધારાની ભીડ જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રેલવેએ આ વિશેષ વ્યવસ્થા કરી છે. આ ટ્રેનો વિશેષ ભાડા પર ચાલશે અને હજારો મુસાફરોને કન્ફર્મ ટિકિટ તથા મુસાફરીની સુવિધા આપશે. ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.

સાબરમતી–મુઝફ્ફરપુર સ્પેશિયલ (ટ્રેન નં. 09453) 20 નવેમ્બર, શુક્રવારે સાંજે 17:50 વાગ્યે સાબરમતીથી ઉપડશે. તે ત્રીજા દિવસે, રવિવારે વહેલી સવારે 3:50 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે. રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગરા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનની ટિકિટનું આરક્ષણ તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર (PRS) પર શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ–ગોરખપુર સ્પેશિયલ (ટ્રેન નં. 09429) 21 નવેમ્બર, શનિવારે રાત્રે 1:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે. તે બીજા દિવસે, રવિવારે સવારે 6:45 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનનું બુકિંગ 20 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી તમામ PRS કાઉન્ટર પર શરૂ થશે.

સામાન્ય વર્ગના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બંને સ્પેશિયલ ટ્રેનો (09453 અને 09429) માં સ્લીપર ક્લાસ તથા જનરલ (સામાન્ય) શ્રેણીના કોચ લગાવવામાં આવશે.