સત્ય. સાહસ. સંકલ્પ.

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના પગારમાં 25% ઘટાડો કર્યો, બે સ્થાનિક ટુર્નામેન્ટ સ્થગિત

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના પગારમાં 25% ઘટાડો કર્યો, બે સ્થાનિક ટુર્નામેન્ટ સ્થગિત

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ (CWI)એ પોતાના કેન્દ્રીય કરાર હેઠળના ખેલાડીઓના પગારમાં 25 ટકા ઘટાડો કર્યો છે. સાથે જ આ વર્ષે યોજાનારી પુરુષોની સુપર-50 અને મહિલાઓની T20 બ્લેઝ ટુર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. બોર્ડ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર, બોર્ડે સ્થાનિક ખેલાડીઓના કરારની અવધિ ઘટાડીને સાત મહિનાની કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે 12 મહિનાનો રિટેનર કરાર ચાલુ રહેશે.

CWIના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ ડેહરિંગે જણાવ્યું હતું કે બોર્ડને નાણાકીય, વિકાસલક્ષી અને સ્પર્ધાત્મક એમ ત્રણેય સ્તરે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું, 'આ આદર્શ સ્થિતિ નથી, પરંતુ નાણાકીય સ્થિરતા માટે આ પગલું જરૂરી છે.' તેમણે વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર્સ એસોસિયેશન અને ખેલાડીઓના સહયોગની પ્રશંસા કરી.

ડેહરિંગના જણાવ્યા મુજબ, છેલ્લા 15 વર્ષમાં ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે સ્થાનિક એરલાઇન્સ પર 80 મિલિયન ડોલર, એટલે કે આશરે 670 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેના બદલામાં એરલાઇન્સ તરફથી બોર્ડને કોઈ સ્પોન્સરશિપ મળી નથી. પ્રવાસ અને રહેવાના ખર્ચે બોર્ડ પર દબાણ વધાર્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આ નાણાકીય નુકસાન અને વર્તમાન રોકડ પ્રવાહની સમસ્યાને ધ્યાનમાં રાખીને ખર્ચ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

નાણાકીય સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ માટે 16 મિલિયન ડોલર, એટલે કે આશરે 153 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી છે. જોકે, આ ભંડોળ મેળવવા માટે CWIએ ICC દ્વારા નક્કી કરાયેલા 'ક્રિટિકલ મેટ્રિક્સ' પૂરા કરવા પડશે. બોર્ડના જણાવ્યા મુજબ, આ શરતો પૂરી કરવાની પ્રક્રિયા આ મહિનાથી શરૂ થઈ રહી છે.

સ્થગિત કરાયેલી સ્થાનિક ટુર્નામેન્ટ્સની જગ્યાએ CWIએ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે પુરુષ અને મહિલા ક્રિકેટ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લીધો છે. IOCના નિયમો અનુસાર વેસ્ટ ઇન્ડીઝ સંયુક્ત પ્રાદેશિક ટીમ તરીકે ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકતું નથી. ઓલિમ્પિક્સમાં માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી ધરાવતા સ્વતંત્ર દેશો જ ભાગ લઈ શકે છે. આથી કેરેબિયન ક્ષેત્રના અલગ-અલગ દેશો પોતાના રાષ્ટ્રીય ધ્વજ હેઠળ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં ઉતરશે.

વિશ્વભરની T20 લીગ્સને કારણે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ લાંબા સમયથી ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલા રાખવાના પડકારનો સામનો કરી રહ્યું છે. ફ્રેન્ચાઇઝી લીગ્સમાં મળતા આકર્ષક કરારો ખેલાડીઓ માટે મોટો વિકલ્પ છે. હવે કેન્દ્રીય કરારના પગારમાં 25 ટકા ઘટાડા બાદ ખેલાડીઓને કરાર સાથે જોડાયેલા રાખવાનો પડકાર વધુ વધી શકે છે. તેની અસર વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટની રાષ્ટ્રીય ટીમ અને સ્થાનિક માળખા પર પણ પડી શકે છે.