વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની આગામી પાંચ T-20 મેચોની સિરીઝ માટે વિકેટકીપર-બેટર અમીર જાંગુને ટીમમાં સામેલ કર્યો છે. જ્વેલ એન્ડ્રૂની આંગળીમાં ઈજા થતાં તેમને એન્ડ્રૂના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI)એ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. CWIએ જણાવ્યું કે એન્ડ્રૂની ઈજા પર મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે અને તેમના બેકઅપ તરીકે જાંગુને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે.
શનિવારે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ભારત સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 36મી ઓવરના અંતિમ બોલ પર જ્વેલ એન્ડ્રૂને ઈજા થઈ. ભારતીય બેટર નમન ધીરે ડાબોડી સ્પિનર ગુડાકેશ મોતીના બોલને કવર તરફ હવામાં ફટકાર્યો. એન્ડ્રૂએ કેચ પકડી લીધો, પરંતુ બોલ તેમની આંગળી પર જોરથી વાગ્યો. ઈજા બાદ તરત જ તેમને મેદાનની બહાર જવું પડ્યું અને એક્સ-રે માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં મેડિકલ ટીમે તેમની ઈજાની તપાસ કરી.
આંગળીની ઈજા એટલી ગંભીર હતી કે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ દરમિયાન જ્વેલ એન્ડ્રૂ ઈનિંગ્સની શરૂઆત કરવા મેદાન પર ઉતરી શક્યા નહોતા. 352 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમને પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડ્યો. કેપ્ટન શાઈ હોપ પોતે જૉન કેમ્પબેલની જગ્યાએ ઓપનિંગ કરવા ઉતર્યા હતા.
29 વર્ષીય અમીર જાંગુ તાજેતરમાં પૂર્ણ થયેલી વનડે સિરીઝમાં શાનદાર ફોર્મમાં રહ્યા હતા. ત્રણ મેચોની વનડે સિરીઝમાં જાંગુએ અણનમ 58, 114 અને 67 રનની ઈનિંગ્સ રમી હતી. 239 રન સાથે તેઓ સમગ્ર સિરીઝમાં બંને ટીમોને મળીને ત્રીજા સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યા. આ સિરીઝમાં માત્ર ભારતના શુભમન ગિલ (334 રન) અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ (278 રન) જ તેમનાથી આગળ હતા. જાંગુને T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની T-20 સિરીઝની પ્રથમ મેચ મંગળવારે લખનૌમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝની T20I ટીમ: શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રૂ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અકિલ હોસેન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમસન, રોમારિયો શેફર્ડ, શમાર સ્પ્રિંગર.