ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઈન્દોરમાં રમાયેલી પાંચ મેચની ટી20 સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 14 રનથી જીત મેળવી. પરંતુ આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ આ મેચમાં 13 સિક્સ ફટકારી. આ સાથે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં 2000 સિક્સ પૂરી કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. પાવર હિટિંગ માટે જાણીતી અને બે વખતની ટી20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે આ ફોર્મેટમાં પોતાની તાકાત ફરી સાબિત કરી છે.
આ મેચ પહેલા ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારવાની બાબતમાં વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે ખૂબ નજીકની સ્પર્ધા હતી. કેરેબિયન બેટ્સમેનોએ ત્રીજી ટી20માં 13 સિક્સ ફટકારીને 2000 સિક્સનો આંકડો પાર કર્યો.
ભારતીય ટીમ 1997 સિક્સ સાથે બીજા સ્થાને છે. તેથી સીરિઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા પણ 2000 સિક્સનો આંકડો પાર કરી શકે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડ છે, જેના નામે 1585 સિક્સ છે. આમ ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ અન્ય ટીમો કરતાં ઘણાં આગળ છે.