આજના વ્યસ્ત જીવનમાં સોમથી શુક્રવાર સુધી કસરત કરવાનો સમય ઘણા લોકોને મળતો નથી. એટલે તેઓ શનિ અને રવિવારે જીમ કે દોડવાનું કરીને આખા અઠવાડિયાની કસરત પૂરી કરવાનો પ્રયાસ કરે છે. ડૉક્ટરો આ પ્રકારની કસરતને 'વીકન્ડ વોરિયર' પ્રવૃત્તિ કહે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ પદ્ધતિ હૃદય માટે સલામત છે?
નિષ્ણાતોના મતે, આખા અઠવાડિયા દરમિયાન શારીરિક શ્રમ બિલકુલ ન કરવા કરતાં માત્ર વીકન્ડમાં કસરત કરવી પણ ફાયદાકારક છે. જોકે, પાંચ દિવસ નિષ્ક્રિય રહ્યા પછી અચાનક વીકન્ડમાં અતિશય ભારે વર્કઆઉટ કરવાથી સ્નાયુઓમાં ખેંચાણ આવવાનું અને હૃદય પર અચાનક ભારે દબાણ પડવાનું જોખમ રહે છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ તીવ્રતાવાળી (Medium-intensity) અથવા 75 મિનિટ હાઈ-ઇન્ટેન્સિટી એરોબિક પ્રવૃત્તિ કરવાની સલાહ આપવામાં આવે છે.
દૈનિક દિનચર્યામાં દરરોજ માત્ર 30 મિનિટ ઝડપી ચાલવું એ હૃદયને સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. આ ઉપરાંત એરોબિક કસરત સાથે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ સ્નાયુઓ મજબૂત કરતી કસરતો પણ કરવી જોઈએ.
ઓફિસ કે ઘરમાં સતત બેસી રહેવાને બદલે સીડી ચઢવી, સાયકલ ચલાવવી કે કામ વચ્ચે નાના-નાના એક્ટિવ બ્રેક લેવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે.
જો તમારી પાસે માત્ર શનિ-રવિવારનો જ સમય હોય તો ચોક્કસ કસરત કરો, પરંતુ ધીમે-ધીમે અઠવાડિયાના અન્ય દિવસોમાં પણ 15-20 મિનિટની પ્રવૃત્તિ ઉમેરીને આખા સપ્તાહ દરમિયાન શરીરને સક્રિય રાખવાનો પ્રયાસ કરો.