જો તમારું વજન અચાનક વધી ગયું હોય, તો તે ફક્ત ચરબી વધવાના કારણે જ હોય તે જરૂરી નથી. શરીરમાં વધારે પડતા પાણીના ભરાવાને કારણે પણ વજન વધેલું દેખાઈ શકે છે, જેને 'વોટર વેટ' અથવા ફ્લુઇડ રીટેન્શન કહેવાય છે. આ સ્થિતિમાં પેટ ફૂલવું, હાથ-પગમાં સોજો અને આંખો નીચે સોજો જેવી તકલીફો થઈ શકે છે.
સામાન્ય રીતે વજન વધવું એ ચરબી જમા થવાને કારણે હોય છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. વધુ પડતો ખોરાક, પાણીનું અસંતુલન, ડિહાઇડ્રેશન, વધુ મીઠું ખાવું, જીવનશૈલીની ખરાબ આદતો અથવા સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે શરીરમાં વધારાનું પાણી જમા થઈ શકે છે. આપણું શરીર આશરે 60 થી 70 ટકા પાણીથી બનેલું હોય છે. જ્યારે પ્રવાહીનું સંતુલન બગડે છે, ત્યારે શરીર વધારાના પાણીને પકડી રાખે છે. વોટર વેટ વધવો એ કોઈ ગંભીર બીમારી નથી અને તેને ઘટાડવાથી સીધી ચરબી ઓછી થતી નથી, પરંતુ પેટનું ભારેપણું અને સોજા ઘટે છે.
વોટર વેટ ઘટાડવાના 5 સરળ ઉપાયો:
1. પૂરતા પ્રમાણમાં પાણી પીવો: શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર રક્ષણાત્મક રીતે પાણીનો સંગ્રહ કરવા લાગે છે. તેથી દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીતા રહો. ઋતુ, શારીરિક શ્રમ અને જરૂરિયાત મુજબ હાઇડ્રેશન જાળવી રાખો.
2. આહારમાં ફેરફાર કરો: ખોરાકમાં વધુ પડતું મીઠું (સોડિયમ) અને ખાંડનું સેવન શરીરમાં પાણી જમા થવાની સમસ્યા વધારે છે. તેથી તેનું પ્રમાણ મર્યાદિત રાખો. પોટેશિયમથી ભરપૂર ખોરાક ફાયદાકારક છે. લસણ, કોબીજ, લીલાં પાંદડાવાળાં શાકભાજી, લીંબુ અને કાકડી જેવા કુદરતી ખાદ્યપદાર્થોને ડાયેટમાં સામેલ કરો.
3. નિયમિત યોગ અને કસરત કરો: નિયમિત શારીરિક કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વધારાનું પાણી પરસેવા વાટે બહાર નીકળે છે. હળવા યોગાસનો પણ વોટર વેટ ઘટાડવામાં મદદરૂપ બને છે.
4. અભ્યંગ મસાજ અજમાવો: આયુર્વેદમાં ઔષધીય તેલથી કરવામાં આવતી માલિશને 'અભ્યંગ' કહેવાય છે. તે શરીરને રિલેક્સ કરવાની સાથે લસિકા તંત્રને સક્રિય કરી શરીરમાંથી ઝેરી તત્વો અને વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે.
5. ધ્યાન રાખો: જો શરીરમાં લાંબા સમય સુધી સતત સોજા રહેતા હોય, ખાસ કરીને પગની ઘૂંટીઓ અથવા ચહેરા પર સોજો ઓછો ન થતો હોય, તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં. આ સમસ્યા ક્યારેક કિડની, હૃદય કે લિવર સંબંધિત તકલીફોનો સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક યોગ્ય તબીબી તપાસ અને સલાહ લેવી જરૂરી છે.