સત્ય. સાહસ. સંકલ્પ.

પાણીથી અંતિમસંસ્કાર: પર્યાવરણ માટે સૌથી યોગ્ય પદ્ધતિ, વૈજ્ઞાનિકોનો દાવો

પાણીથી અંતિમસંસ્કાર: પર્યાવરણ માટે સૌથી યોગ્ય પદ્ધતિ, વૈજ્ઞાનિકોનો દાવો

વોશિંગ્ટન: મૃતદેહના અંતિમ સંસ્કાર માટે દફનાવવું કે અગ્નિસંસ્કાર કરવો એ પરંપરાગત રીતો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ પાણીના ઉપયોગથી મૃતદેહનો નિકાલ કરવાની એક નવી પદ્ધતિ વિકસાવી છે, જેને પર્યાવરણ માટે સૌથી યોગ્ય માનવામાં આવી રહી છે. આ પદ્ધતિને બાયોક્રિમેશન, ફ્લેમલેસ ક્રિમેશન અથવા વોટર ક્રિમેશન (જળ-અંતિમસંસ્કાર) તરીકે ઓળખવામાં આવે છે.

આ પદ્ધતિમાં મૃતદેહને સીધો પાણીમાં પધરાવવામાં નથી આવતો. તેના બદલે, એક ખાસ ટેન્કમાં પાણી ભરીને તેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મૃતદેહને તેમાં મૂકીને પાણીને 90થી 150 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. ટેન્કમાં દબાણ વધતાં મૃતદેહ ધીમે ધીમે વિઘટિત (ડીકમ્પોઝ) થવા લાગે છે. આ પ્રક્રિયામાં કલાકો લાગે છે, અને અંતે એક પ્રવાહી તૈયાર થાય છે જેનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે. જ્યારે બાકી રહેલા હાડકાંને પીસીને પાવડર બનાવીને પરિવારજનોને સોંપવામાં આવે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ પદ્ધતિ દફનાવવા કે બાળવા કરતાં ઘણી ઓછી ઊર્જા વાપરે છે. એક અમેરિકન કંપનીના દાવા મુજબ, તે અગ્નિસંસ્કાર કરતાં 90 ટકા ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે. વધુમાં, આ પ્રક્રિયામાં પ્રદૂષિત હવા ફેલાતી નથી, જ્યારે અગ્નિસંસ્કારમાં લાકડું, ઇંધણ, વીજળી વધુ વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો હવામાં ફેલાય છે. આથી આ પદ્ધતિને પર્યાવરણ માટે વધુ યોગ્ય ગણવામાં આવે છે.

કેટલાક લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરી ચૂક્યા છે. જોકે, તેની સામે ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ચર્ચા પણ થઈ રહી છે. વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં આ પદ્ધતિ અંતિમસંસ્કારના વિકલ્પ તરીકે લોકપ્રિય બની શકે છે.