ભારતની પુરુષ ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાન સામેની ફાઇનલમાં 19 રને જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીતમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. ફાઇનલમાં તેને બેટિંગની તક મળી ન હતી, પરંતુ તેણે બોલિંગમાં બે મહત્ત્વની વિકેટ લીધી અને ફિલ્ડિંગમાં બે શાનદાર કેચ પકડ્યા હતા.
ટીમ ઇન્ડિયાની સફળતાને બિરદાવતા તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે વોશિંગ્ટન સુંદર માટે ₹75 લાખના ઈનામની જાહેરાત કરી છે. તેઓએ અગાઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા તમિલનાડુના ખેલાડીઓ માટે ₹75 લાખના ઈનામની જાહેરાત કરી હતી. એ જ વચનને અનુસરીને વોશિંગ્ટન સુંદર માટે પણ આ રકમ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરુષ હોકી ટીમે પણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડી માટે ₹11 લાખ અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્ય માટે ₹5.5 લાખનું ઇનામ જાહેર કર્યું હતું.