અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી લગભગ 1.6 કિમી દૂર લોગાન સર્કલ વિસ્તારમાં ગુરુવારે ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં પાંચ લોકોને ગોળી વાગી છે.
પોલીસ અધિકારી નાથન ક્લાર્કે જણાવ્યું કે ગોળીબાર કયા ચોક્કસ સ્થળે થયો તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને લગતી વધુ માહિતી હજુ સામે આવી નથી. ઘાયલોની ઓળખ, તેમની હાલત અને ગોળીબાર પાછળનું કારણ અંગે પોલીસે કોઈ માહિતી આપી નથી.
ઘટનાના સમાચાર ફેલાતાં જ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. લોકો જીવ બચાવવા માટે દુકાનો અને ઘરોમાં છુપાઈ ગયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળો દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે લોકોને 15મી સ્ટ્રીટના 1500 બ્લોકની આસપાસ જવાનું ટાળવા અપીલ કરી છે. આ વિસ્તારમાં VIDA ફિટનેસ સેન્ટર, સેન્ટ લ્યુક એપિસ્કોપલ ચર્ચ અને રહેણાંક ઇમારતો આવેલી છે. અહીંથી થોડા અંતરે હોલ ફૂડ્સ સુપરમાર્કેટ પણ આવેલું છે.
ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસ નજીક ભૂતકાળમાં પણ ગોળીબારની ઘટનાઓ બની છે. ડિસેમ્બર 1994માં વ્હાઇટ હાઉસ પર ગોળીબાર થયો હતો, જેમાં એક ગોળી સ્ટેટ ડાઇનિંગ રૂમની બારી સુધી પહોંચી હતી. નવેમ્બર 2011માં ઓસ્કર ઓર્ટેગા-હર્નાન્ડેઝે વ્હાઇટ હાઉસ તરફ રાઇફલથી ઓછામાં ઓછી 8 ગોળીઓ ચલાવી હતી. જુલાઈ 2021માં લોગાન સર્કલ વિસ્તારમાં થયેલી ગોળીબારીમાં 2 લોકો ઘાયલ થયા હતા. ઑગસ્ટ 2021માં લોગાન સર્કલ નજીક ફરી ગોળીબારી થઈ હતી, જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. ઑક્ટોબર 2023માં વ્હાઇટ હાઉસથી લગભગ 2 બ્લોક દૂર મેકફર્સન સ્ક્વેરમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માર્ચ 2024માં લોગાન સર્કલ પાસે થયેલા ગોળીબારમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 5 લોકો ઘાયલ થયા હતા. 23 માર્ચ 2026ના રોજ એક શંકાસ્પદ વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા. આ ઘટના બાદ વોશિંગ્ટનમાં 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ NWના ચોક પાસે સુરક્ષા વધારી દેવામાં આવી હતી.