સત્ય. સાહસ. સંકલ્પ.

વોરેન બફેએ 96 વર્ષની વયે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, પુત્ર હોવર્ડ બનશે નવા ચેરમેન

વોરેન બફેએ 96 વર્ષની વયે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, પુત્ર હોવર્ડ બનશે નવા ચેરમેન

વિશ્વના જાણીતા રોકાણકાર વોરેન બફેએ 1 ટ્રિલિયન ડૉલર (અંદાજે રૂ. 96 લાખ કરોડ)ની કંપની બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. 96 વર્ષીય બફેએ 18 સપ્ટેમ્બરે શેરધારકોને પત્ર લખીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.

બફે 1965થી કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી ચેરમેન એમેરિટસ બનશે, પરંતુ બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.

કંપનીના ઉત્તરાધિકાર આયોજન હેઠળ હવે તેમના પુત્ર હોવર્ડ બફે નવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. સાથે જ સુસાન ડેકર લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.

બર્કશાયરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગ્રેગ એબેલે જણાવ્યું કે, “અમેરિકન બિઝનેસના ઇતિહાસમાં વોરેનનું પ્રદાન અજોડ છે. તેમણે સ્થાપેલા મૂલ્યો અને વર્ક કલ્ચર હંમેશાં કંપનીના કેન્દ્રમાં રહેશે. હોવર્ડ કંપની માટે શિસ્ત અને ઊંડી સમજ લઈને આવશે, જ્યારે સૂ પોતાની સતત લીડરશીપ દ્વારા બોર્ડને મજબૂત બનાવશે.”

કંપનીના જણાવ્યા અનુસાર, ચેરમેન એમેરિટસ તરીકે નિયુક્ત થયા પછી પણ બફે બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે જળવાઈ રહેશે અને કંપનીના મહત્ત્વના નિર્ણયોમાં પોતાના અનુભવ અને દૃષ્ટિકોણથી માર્ગદર્શન પૂરું પાડતા રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેમણે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદેથી પણ હટી જવાની જાહેરાત કરી હતી.