ગીર કેસર કેરી, ભાલિયા ઘઉં અને પાટણના પટોળા બાદ હવે સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત 'વઢવાણી મરચાં'ને જીઆઈ ટેગ (Geographical Indication) મળવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વઢવાણ APMC દ્વારા 'Wadhwani Marcha of Gujarat' નામે GI ટેગ મેળવવા માટે 28 સપ્ટેમ્બર, 2026ના રોજ અરજી દાખલ કરવામાં આવી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડિયા (IP India)ની સત્તાવાર GI રજિસ્ટ્રીમાં આ અરજી નંબર 2173 તરીકે નોંધાઈ છે.
અરજી સ્વીકારાયા બાદ હવે દસ્તાવેજોની ચકાસણી અને કાનૂની તપાસની પ્રક્રિયા હાથ ધરાશે. જો આ અરજી મંજૂર થશે તો 'વઢવાણી મરચાં'ને ભૌગોલિક ઓળખ તરીકે કાનૂની સુરક્ષા મળશે અને તેના નામે થતી નકલી ઉત્પાદનોનું વેચાણ અટકશે.
વઢવાણ અને સમગ્ર ઝાલાવાડ વિસ્તારમાં મરચાંની ખેતી અને તેના ઉપયોગોની લાંબી પરંપરા છે. ખાસ કરીને વઢવાણી મરચાંનું અથાણું અને ભરેલાં મરચાં ગુજરાતની સ્થાનિક ખાણીપીણી સાથે જોડાયેલા છે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોમાં પણ વઢવાણી મરચાં અને તેના અથાણાંની ખાસ માંગ રહે છે.
GI ટેગ એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં પેદા થતી અનોખી વસ્તુ કે કૃષિ પેદાશને તેની ગુણવત્તા અને સ્વાદની પ્રામાણિકતા માટે આપવામાં આવતી સત્તાવાર ઓળખ છે. આ માર્ક પ્રોડક્ટ અસલી હોવાની ગેરંટી આપે છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી ખારેક, નવસારી અમલસાડ ચીકુ, ઊંઝાનું જીરું અને વરિયાળી જેવા કૃષિ ઉત્પાદનો ઉપરાંત પાટણના પટોળા, ટાંગલિયા સાડી, રાજકોટી પટોળા, કચ્છ એમ્બ્રોઇડરી અને કચ્છી શાલ સહિત 28થી વધુ ઉત્પાદનોને GI ટેગ મળી ચૂક્યો છે. હવે વઢવાણી મરચાં પણ આ યાદીમાં જોડાવા માટે તૈયાર છે.