તાપી જિલ્લામાં વ્યારા સુગર મિલ સામે શેરડીના બાકી નાણાંની ચૂકવણીને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે મિલે ખેડૂતો પાસેથી ખરીદેલી શેરડીના રૂપિયા હજુ સુધી તેમના ખાતામાં જમા ન થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ છે.
આ અન્યાય સામે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. વ્યારાના મિશન નાકાથી સેવા સદન સુધી રેલી યોજાઈ હતી.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, સુગર મિલના એમડી અને જિલ્લા કલેક્ટર તરફથી અગાઉ 15મી તારીખ સુધીમાં ચૂકવણી અંગે સુખદ નિરાકરણ લાવવા અને ઝડપથી પૈસા ચૂકવવામાં આવશે તેવા આશ્વાસનો અપાયા હતા. વ્યારા સુગરના એમડી દ્વારા લેખિત બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી ખેડૂતોના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નથી.
આથી તાપી જિલ્લાના ખેડૂતોએ એકજુથ થઈ અવાજ બુલંદ કર્યો છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે તેમના મહેનતની કમાણીના બાકી નાણાં ચૂકવવામાં નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે.