તાપી જિલ્લાની વ્યારા સુગર મિલે શેરડીના બાકી ચૂકવણું સમયસર ન કરતાં 800થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળી પર્વ અને શેરડીના વાવેતરની સીઝન દરમિયાન નાણાં ન મળતાં ખેડૂતોએ મિલ પરિસરમાં ધરણાં શરૂ કર્યા છે. બીજી તરફ, મંડળીના સત્તાધીશોએ ટૂંક સમયમાં ચૂકવણી કરવાની ખાતરી આપી છે.
વ્યારા સુગર મિલ તાપી જિલ્લાની ઓળખ ગણાય છે, પરંતુ મિલની આર્થિક સ્થિતિ કથળતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. શેરડીના બાકી લેણાં ન મળવાના કારણે 800થી વધુ ખેડૂતો પોતાના હકના નાણાં મેળવવા માટે મિલ પરિસરમાં ધરણાં કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ કલેક્ટરથી લઈને રજિસ્ટ્રાર સુધી રજૂઆતો કરી, ટ્રેક્ટર રેલી કાઢી અને પૂતળા દહન કર્યું છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
ખેડૂતોનું કહેવું છે કે દિવાળીના તહેવાર ટાણે અને શેરડીના નવા વાવેતરની સીઝન હોવા છતાં નાણાંના અભાવે ખેતી અને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેમણે કસ્ટોડિયન કમિટી અને ડિરેક્ટરો યોગ્ય પ્રતિસાદ ન આપતા હોવાના તેમજ વહીવટમાં ગેરરીતિ આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
બીજી તરફ, મંડળીના સત્તાધીશોએ જણાવ્યું છે કે એફઆરપી (FRP) મુજબ ત્રીજા હપ્તા પેટે આશરે ₹6 કરોડનું ચૂકવણું બાકી છે, જેની વ્યવસ્થા થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરાશે. આંદોલન અને સર્વેમાં વિલંબ થતાં ચૂકવણીમાં મોડું થયું હોવાની સ્પષ્ટતા પણ મિલ પ્રશાસને કરી છે.