તાપી જિલ્લાના વ્યારા પ્રદેશમાં ઉકાઈ પ્રદેશ ખાંડ સહકારી મંડળી લિમિટેડ સાથે જોડાયેલા ખેડૂતોને શેરડીના બાકી નીકળતા નાણાં મળવાનો રસ્તો ખૂલ્યો છે. આ નાણાંની માગ સાથે ખેડૂતો છેલ્લા 34 દિવસથી ધરણા પર બેઠા હતા.
રાજ્ય સરકારે ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને 850થી વધુ ખેડૂતોને આઠ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.
સરકારની આ જાહેરાત બાદ ધરણા પર બેઠેલા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. પ્રભારી મંત્રી નરેશ પટેલ અને રાજ્ય સરકારના મંત્રી ડૉક્ટર જયરામ ગામીત ધરણાસ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. સરકારે પેકેજ જાહેર કરતાં ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો.