તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં શુક્રવારે સવારે એક પિકઅપ ટેમ્પો પલટી જતાં ખેતમજૂરો ભરેલા વાહનમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને વ્યારાની યુએનએમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટેમ્પામાં આશરે 10 જેટલા મજૂરો સવારે ખેતરમાં ડાંગર કાપવા માટે જઈ રહ્યા હતા. કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતી વખતે ટેમ્પો ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પો માર્ગ પર જ ઊંધો વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ટેમ્પા નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી. ગંભીર ઈજાઓના કારણે ત્રણેય શ્રમિકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ વ્યારા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે વ્યારા પોલીસે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સવારે રોજીરોટી રળવા માટે ઘરબહાર નીકળેલા શ્રમિકોને કાળ ભરખી જતાં મૃતકોના પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.