ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક કુમાર (રસિક દુલ્હારી સરન)નું શુક્રવારે ચોથા માળેથી નીચે પડી જવાને કારણે મોત થયું છે. ગંભીર હાલતમાં તેમને સર્વોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. ઘટનાની જાણ થતાં જ વૃંદાવન કોતવાલી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
મૃતક દીપક પ્રેમાનંદ મહારાજના આશ્રમની પાછળ આવેલી સોસાયટીમાં રહેતા હતા. તેઓ છેલ્લા દોઢ વર્ષથી ત્યાંના ફ્લેટમાં રહેતા હતા. દીપક ઉર્ફે રસિક દુલ્હારી સરન મૂળ જબલપુરના રહેવાસી હતા અને તેમણે ફેબ્રુઆરી 2025માં પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી.
એશપી સિટી રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, પ્રેમાનંદ મહારાજના આશ્રમની પાછળ એક સોસાયટી છે, જ્યાં દીપક કુમાર રહેતા હતા. પ્રાથમિક માહિતીમાં ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરવાની વાત સામે આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે.
દીપક કુમારના આ પગલાથી સમગ્ર આશ્રમમાં ચકચાર મચી ગઈ છે. લોકો તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. કોઈને પણ આત્મહત્યાનું કારણ સમજાઈ રહ્યું નથી. પોલીસ આશ્રમના લોકોની પૂછપરછ કરી રહી છે, જેથી અસલ કારણ સામે આવી શકે. પોલીસે મૃતકના પરિવારજનોને પણ જાણ કરી દીધી છે અને હત્યા તથા આત્મહત્યાના એંગલથી તપાસ કરી રહી છે. આ મામલે હજુ સુધી આશ્રમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને સોસાયટીમાં રહેતા લોકો પણ કંઈ બોલવા તૈયાર નથી.
સદર સીઓ (CO) સંદીપ કુમાર સિંહે જણાવ્યું હતું કે, એક આશ્રમ સાથે સંકળાયેલા સાધુને ગંભીર હાલતમાં સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ દીપક લોધી (ઉર્ફે રસિક દુલારી શરણ) હતા—જેઓ જબલપુરના વતની હતા અને 'ગુરુ કૃપા કુંજ આશ્રમ' (જે 'કેલી કુંજ' સાથે જોડાયેલો છે) ખાતે રહેતા હતા. અહેવાલો મુજબ, તેમણે શુક્રવારે સવારે ચોથા માળની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વૃંદાવન પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.