સત્ય. સાહસ. સંકલ્પ.

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં કૃષ્ણ દર્શન: દર બે મિનિટે પડદો કેમ પડે છે?

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં કૃષ્ણ દર્શન: દર બે મિનિટે પડદો કેમ પડે છે?

ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં આવેલા પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનને લઈને એક અનોખી પરંપરા છે. અહીં ભક્તો ભગવાનને એકીટશે સતત નિહાળી શકતા નથી. મંદિરમાં દર બે-ત્રણ મિનિટે ઠાકુરજીની સન્મુખ ભારે મખમલી પડદો પાડી દેવામાં આવે છે.

મંદિર પ્રશાસન આ વ્યવસ્થાને 'ઝાંખી દર્શન' તરીકે ઓળખાવે છે. આ પરંપરા પાછળની માન્યતા એવી છે કે બાંકે બિહારીની મૂર્તિની આંખોમાં વશીકરણની શક્તિ છે. જો કોઈ ભક્ત પૂરી તન્મયતાથી ભગવાનની આંખોમાં જોઈ લે, તો ભગવાન તેની ભક્તિથી વશીભૂત થઈને સિંહાસન છોડીને ભક્તની સાથે ચાલવા લાગે છે.

આ પડદા પ્રથા સાથે 400 વર્ષ જૂની કથા પણ જોડાયેલી છે. વર્ષો પહેલા એક વૃદ્ધ ભક્ત બાંકે બિહારીને એકીટશે નિહાળી રહ્યા હતા, ત્યારે ઠાકોરજી તેમની સાથે મંદિર છોડીને ચાલી નીકળ્યા હતા. અન્ય એક કથા મુજબ, એક નિ:સંતાન મહિલા અથવા ભરતપુરના રાજા-રાણીના વાત્સલ્ય પ્રેમથી ભાવવિભોર થઈને ભગવાન તેમની પાછળ ઘર સુધી ગયા હતા.

પૂજારીઓએ પ્રાર્થના કરીને ઠાકુરજીને ફરી મંદિરમાં સ્થાપિત કર્યા. ત્યારથી નિયમ બનાવ્યો કે કોઈ ભક્ત ભગવાનના બાળ સ્વરૂપને સતત નિહાળી ન શકે. આ નિયમ ભક્તોના હોશ ગુમાવવાથી બચાવવા માટે પણ છે. માન્યતા છે કે બાંકે બિહારીની આંખો જોઈને ભક્તો ભાવસમાધિમાં લીન થઈ જાય છે. પડદાની વ્યવસ્થાને આધ્યાત્મિક રીતે વિરહ અને મિલનનું પ્રતીક માનવામાં આવે છે.