કેન્દ્રીય પંચાયતી રાજ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી લલનસિંહે જાહેરાત કરી છે કે હવે સરકારી યોજનાઓના લાભાર્થીઓને આધાર કાર્ડને બદલે ચૂંટણી કાર્ડ (EPIC) નંબર દ્વારા સીધા બેંક ખાતામાં નાણાં મળશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આયોજિત રાષ્ટ્રીય વર્કશોપમાં તેમણે આ જાહેરાત કરી.
લલનસિંહે કહ્યું કે આજે દરેક ગલીમાં આધાર કેન્દ્રો છે અને પાંચ મિનિટમાં આધાર કાર્ડ બની જાય છે, તેથી હવે લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવા માટે આધાર કાર્ડને બદલે મતદાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવેથી નાગરિકનું વોટિંગ કાર્ડ જ તેમનું આધાર કાર્ડ ગણાશે.
જોકે, આ નિવેદન વિવાદમાં આવ્યું હતું. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લલનસિંહના નિવેદનનો વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો કે સરકારે અનેક મતદારોના નામ રદ કર્યા છે. તેમણે કહ્યું કે જો મતદાર કાર્ડના આધારે રાશન, પેન્શન, મનરેગા જેવી યોજનાઓનો લાભ આપવામાં આવશે તો જેમના નામ રદ થયા છે તે વંચિત રહી જશે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ સવાલ ઉઠાવ્યો કે બાળકો પણ લાભાર્થી હોય છે, જેમની પાસે મતદાર કાર્ડ નથી હોતું, તો શું તેમને મિડ-ડે મીલ જેવો લાભ નહીં મળે?
વિરોધ વચ્ચે લલનસિંહે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ સંપૂર્ણપણે હટાવવામાં આવી રહ્યું નથી, પરંતુ પારદર્શિતા માટે બાયોમેટ્રિક અને મતદાર આઈડીને જોડવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેમના શાસનકાળમાં 100 રૂપિયામાંથી માત્ર 15 રૂપિયા જનતા સુધી પહોંચતા હતા, જ્યારે મોદી સરકારમાં આખા 100 રૂપિયા લાભાર્થી સુધી પહોંચે છે.