સત્ય. સાહસ. સંકલ્પ.

નોએલ ટાટા વોલ્ટાસના ચેરમેન પદેથી નિવૃત્ત, સુનીલ ડિસૂઝા લેશે કમાન

નોએલ ટાટા વોલ્ટાસના ચેરમેન પદેથી નિવૃત્ત, સુનીલ ડિસૂઝા લેશે કમાન

ટાટા ગ્રુપની કૂલિંગ પ્રોડક્ટ્સ બનાવતી કંપની વોલ્ટાસના ચેરમેન અને ડિરેક્ટર નોએલ એન. ટાટા 11 નવેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે. 70 વર્ષની ઉંમર પૂર્ણ થતાં ટાટા ગ્રુપની નીતિ હેઠળ તેમની આ નિવૃત્તિ થઈ રહી છે.

નોએલ ટાટાની નિવૃત્તિ બાદ કંપનીના બોર્ડે તેમને 12 નવેમ્બર 2026થી ચેરમેન એમેરિટસ એટલે કે માનદ ચેરમેન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

સુનીલ ડિસૂઝા નવા ચેરમેન

બોર્ડે ટાટા ગ્રુપની FMCG કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL)ના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને CEO સુનીલ ડિસૂઝાને વોલ્ટાસના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. ડિસૂઝા 12 નવેમ્બર 2026થી આ જવાબદારી સંભાળશે.

ડિસૂઝાના નેતૃત્વ હેઠળ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટાટા સોલ્ટ, ટાટા ટી, ટેટલી અને ટાટા સંપન્ન જેવી બ્રાન્ડ્સ હેઠળ મીઠું, ચા, કોફી, પેકેજ્ડ ફૂડ અને બેવરેજનો વ્યવસાય કરે છે.

કંપનીઝ એક્ટને કારણે નિવૃત્તિ

કંપનીઝ એક્ટ 2013 મુજબ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ MD અથવા હોલ-ટાઇમ ડિરેક્ટર પદ પર રહી શકતી નથી કે તેની પુનઃનિયુક્તિ થઈ શકતી નથી. 12 નવેમ્બર 1956ના રોજ જન્મેલા નોએલ ટાટા 12 નવેમ્બર 2026ના રોજ 70 વર્ષના થશે.

નોએલ ટાટા વર્ષ 2003થી વોલ્ટાસ સાથે જોડાયેલા છે અને 2017માં તેમણે ચેરમેનનું પદ સંભાળ્યું હતું. હાલમાં તેઓ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન પણ છે. આ જ નીતિ હેઠળ તેમણે થોડા મહિના પહેલાં ટાટા ગ્રુપની રિટેલ ફર્મ ટ્રેન્ટના ચેરમેન પદેથી પણ રાજીનામું આપ્યું હતું. વોલ્ટાસ ઉપરાંત તેઓ આ વર્ષના અંત સુધીમાં ટાઇટન, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા સ્ટીલ અને ટાટા ઇન્ટરનેશનલના બોર્ડમાંથી પણ નિવૃત્ત થશે.

જયંત બાલન નવા મેનેજિંગ ડિરેક્ટર

કંપનીના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર સીપી મુકુન્દન મેનનનો કાર્યકાળ 24 મે 2027ના રોજ પૂરો થશે. તેઓ ટાટા ગ્રુપની નિવૃત્તિ નીતિ હેઠળ નિવૃત્ત થશે.

બોર્ડે જયંત બાલનને 25 મે 2027થી પાંચ વર્ષના કાર્યકાળ માટે એડિશનલ ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. આ નિમણૂક શેરહોલ્ડર્સની મંજૂરીને આધીન રહેશે.

જયંત બાલન હાલમાં કંપનીના રૂમ એર કન્ડિશનર બિઝનેસના વડા છે. પદભાર સંભાળે ત્યાં સુધી સરળ પરિવર્તન સુનિશ્ચિત કરવા તેમનું હોદ્દું બદલીને 'હેડ - રૂમ એર કન્ડિશનર બિઝનેસ અને મેનેજિંગ ડિરેક્ટર ડેઝિગ્નેટ' કરવામાં આવ્યું છે.

બોર્ડે વેંકટેશલૂ પાલાનિસ્વામીની 12 નવેમ્બર 2026થી લાગુ થનારા કાર્યકાળ માટે નોન-ઇન્ડિપેન્ડન્ટ, નોન-એક્ઝિક્યુટિવ કેટેગરીમાં એડિશનલ ડિરેક્ટર તરીકેની નિમણૂકને પણ મંજૂરી આપી છે.

'ચેરમેન એમેરિટસ' શું છે?

જ્યારે કોઈ અનુભવી અને વરિષ્ઠ નેતા ચેરમેન પદેથી નિવૃત્ત થાય છે, ત્યારે તેમના લાંબા અનુભવ અને યોગદાનના સન્માન માટે કંપની તેમને 'ચેરમેન એમેરિટસ'ની માનદ પદવી આપે છે. તેઓ રોજિંદી કામગીરીમાં સામેલ રહેતા નથી, પરંતુ સલાહકારની ભૂમિકામાં યથાવત્ રહે છે.