સત્ય. સાહસ. સંકલ્પ.

ફોક્સવેગન 2030 સુધીમાં 1 લાખ નોકરીઓ કાપશે, ઇલેક્ટ્રિક કારની માંગ ઘટવાથી દબાણ

ફોક્સવેગન 2030 સુધીમાં 1 લાખ નોકરીઓ કાપશે, ઇલેક્ટ્રિક કારની માંગ ઘટવાથી દબાણ

જર્મનીની કાર કંપની ફોક્સવેગને 2030 સુધીમાં વિશ્વભરમાં લગભગ 1 લાખ નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી છે. કંપનીએ પહેલા તબક્કામાં યુનિયન સાથેના કરાર અને માર્ચ 2026 સુધીની યોજના હેઠળ અંદાજે 50,000 પદો ધીમે ધીમે ઘટાડવા પર સહમતી દર્શાવી હતી. આ હેઠળ ઘણા કર્મચારીઓ સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અને વહેલી નિવૃત્તિના કરાર થઈ ચૂક્યા છે.

હવે બીજા તબક્કામાં સપ્ટેમ્બર 2026માં કંપનીના સુપરવાઈઝરી બોર્ડે વધારાની 50,000 નોકરીઓ કાપવાની મંજૂરી આપી છે. એટલે કુલ મળીને લગભગ 1 લાખ લોકોને કંપનીમાંથી કાઢવામાં આવશે. જોકે, એક લાખ કર્મચારીઓને એકાએક કામમાંથી કાઢી મૂકવામાં આવશે નહીં. આ કંપનીના 'ફ્યુચર પ્લાન 2030'નો હિસ્સો છે, જે હેઠળ આગામી ચાર વર્ષોમાં ધીમે ધીમે વર્કફોર્સમાં કાપ મૂકાશે. આનાથી સ્પષ્ટ થાય છે કે કંપની તેના 90 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવા મોટા સંકટ અને પુનર્ગઠનના દૌરમાંથી પસાર થઈ રહી છે.

ફોક્સવેગનના આ નિર્ણયની અસર વિશ્વભરમાં તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ 15% પર પડી શકે છે. કંપની આ પગલું ઇલેક્ટ્રિક કારોની ઓછી માંગ, ઊંચા ઉત્પાદન ખર્ચ, અમેરિકી ટેરિફ અને ચીની કાર ઉત્પાદકો સાથે વધતી સ્પર્ધા જેવા પડકારોને કારણે ભરી રહી છે. અહેવાલો અનુસાર, ફોક્સવેગન વર્તમાન બજારની સ્થિતિને અનુરૂપ તેના કર્મચારીઓની સંખ્યા અને ઉત્પાદન ક્ષમતા ઘટાડવા માંગે છે. આ પગલાં સાથે કંપની તેના ઇતિહાસના સૌથી મોટા પુનર્ગઠન પ્રયાસોમાંથી એક તરફ આગળ વધી રહી છે.

ફોક્સવેગન પર આ સમયે ચારેય તરફથી દબાણ છે. એક તરફ યુરોપમાં ઇલેક્ટ્રિક કારોનું વેચાણ અપેક્ષા મુજબ ઝડપથી વધ્યું નથી, અને આ સેગમેન્ટમાં ચીની કંપનીઓ મજબૂત સ્પર્ધક તરીકે ઉભરી રહી છે. બીજી તરફ, જર્મનીમાં ઉત્પાદન ખર્ચ ઊંચો છે અને અમેરિકી ટેરિફનું અલગ દબાણ છે.

અમેરિકાએ યુરોપીય સંઘ (EU) થી આયાત થતી કાર અને ટ્રકો પર ટેરિફ પહેલાના 25%ની જગ્યાએ 30% કરી દીધો છે. ફોક્સવેગનના સીઈઓ ઓલિવર બ્લૂમના જણાવ્યા અનુસાર, અમેરિકી ટેરિફના નિયમોને કારણે કંપનીના વાર્ષિક ઓપરેટિંગ નફાને લગભગ 5.9 અબજ ડોલરનું સીધું નુકસાન થઈ રહ્યું છે. ફોક્સવેગનની સરખામણીમાં તેના લક્ઝરી બ્રાન્ડ પોર્શેને ટેરિફથી વધુ નુકસાન થઈ રહ્યું છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે ફોક્સવેગન ખર્ચ ઘટાડવાની સાથે તેના કામકાજને વધુ કાર્યક્ષમ બનાવવા માંગે છે. નોકરીઓમાં કાપ આ મોટા પુનર્ગઠન યોજનાનો જ એક હિસ્સો છે.