સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ વિદ્યાર્થી આપઘાત અટકાવવા માટે રાજ્યમાં પ્રથમવાર 'એન્ટી-સુસાઇડ ફેન' લગાવ્યા છે. હોસ્ટેલના રૂમમાં લગાવેલા આ ખાસ પંખામાં એવી મિકેનિઝમ છે કે તેના પર 10 કિલોથી વધુ વજન પડતાં જ સ્પ્રિંગ ખૂલી જાય છે, પાવર કટ થાય છે અને પંખો નીચે આવી જાય છે. આથી ફાંસો ખાવાની કોશિશ નિષ્ફળ જાય છે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ લાઇવ ડેમો આપીને આ પંખાની કાર્યપદ્ધતિ સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, પંખા પર 10 કિલોથી વધુ વજન પડે તો તરત જ સ્પ્રિંગ ખૂલી જાય છે અને પંખો નીચે ખેંચાઈ આવે છે. એટલે કે, માણસનું વજન ખેંચી શકે તેવી ક્ષમતા આ પંખામાં નથી. આ ખાસ મિકેનિઝમને કારણે ફાંસો ખાવાની પ્રક્રિયા નિષ્ફળ જાય છે. ડેમો દરમિયાન કુલપતિએ હોસ્ટેલના રૂમમાં જઈને પંખા પર ચાદર નાખી વજન આપ્યું, જેના કારણે તરત જ પંખાની સ્પ્રિંગ ખૂલી ગઈ અને પંખો નીચે આવી ગયો.
VNSGUની આ પહેલ સમગ્ર ગુજરાતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે. આજકાલ અભ્યાસના દબાણ, કરિયરની ચિંતા અને માનસિક તણાવને કારણે યુવાનોમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. આવા સમયે ટેકનોલોજીનો આ સકારાત્મક ઉપયોગ જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. હવે એવી આશા સેવાઈ રહી છે કે ગુજરાતની અન્ય સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તથા મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોની હોસ્ટેલોમાં પણ આ પ્રકારના પંખા લગાવવામાં આવશે.