સત્ય. સાહસ. સંકલ્પ.

વિવેક ઓબેરોયે ખુલાસો કર્યો: ખોટા સામે અવાજ ઉઠાવતાં અંડરવર્લ્ડની ધમકીઓ અને કરિયરનો નાશ

વિવેક ઓબેરોયે ખુલાસો કર્યો: ખોટા સામે અવાજ ઉઠાવતાં અંડરવર્લ્ડની ધમકીઓ અને કરિયરનો નાશ

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે તેમની કારકિર્દીના શરૂઆતના સમયના કઠિન અનુભવો વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ખોટા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યા બાદ તેમને ઉદ્યોગમાંથી અલગ કરવામાં આવ્યા હતા. જે ફિલ્મ નિર્માતાઓ તેમની સાથે કામ કરવા ઇચ્છતા હતા, તેમને અંડરવર્લ્ડ તરફથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. પરિણામે, તેમને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને ધીમે ધીમે કામની તકો ઘટતી ગઈ.

વિવેકે તાજેતરમાં 'રીલર્ન પોડકાસ્ટ' પર પોતાની કારકિર્દીના મુશ્કેલ સમયને યાદ કર્યો. તેમણે જણાવ્યું કે 2000ના દાયકાની શરૂઆતમાં તેમની કારકિર્દી ઝડપથી આગળ વધી રહી હતી, ત્યારે એક વિવાદ બાદ તેમનું જીવન બદલાઈ ગયું. વિવેકે કોઈનું નામ લીધા વિના કહ્યું કે તેઓ એવી વિચારસરણી સાથે મોટા થયા હતા જેમાં કેટલીક મર્યાદાઓ ક્યારેય પાર ન કરવી જોઈએ. મહિલાઓ સાથે સન્માનજનક વ્યવહાર થવો જોઈએ અને તેમની સાથેના ખોટા વર્તનને સહન ન કરવું જોઈએ.

એક્ટરના જણાવ્યા મુજબ, તેમણે તે સમયે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમને સતત પરેશાન કરવામાં આવવા લાગ્યા. તેમણે કહ્યું કે આ તેમના જીવનનો અત્યંત અંધકારમય સમય હતો. વિવેકે જણાવ્યું કે ઉદ્યોગની એક શક્તિશાળી લૉબીનું દબાણ તેમના પર હાવી થઈ ગયું હતું.

વિવેકે કહ્યું કે તેઓ કારકિર્દીમાં ઘણી સફળ ફિલ્મો આપી ચૂક્યા હતા. હિટ ફિલ્મો અને એવોર્ડ્સથી તેમને ઓળખ મળી રહી હતી. તેમ છતાં ઉદ્યોગની એક શક્તિશાળી લૉબીનું દબાણ તેમના પર હાવી થઈ ગયું હતું. તેમણે કહ્યું કે ઉદ્યોગમાં લોકો તેમનાથી અંતર જાળવવા લાગ્યા. વિવેકના જણાવ્યા મુજબ, જે ફિલ્મો તેઓ પહેલેથી જ સાઇન કરી ચૂક્યા હતા, તેમાંથી પણ તેમને બહાર કરી દેવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે તેઓ ઉદ્યોગમાં 'પર્સોના નોન ગ્રાટા' બની ગયા હતા, એટલે કે જેને કોઈ સ્થળ અથવા જૂથમાં સ્વીકારવામાં આવતો નથી.

વિવેકે અંડરવર્લ્ડની ધમકીઓ વિશે પણ ખુલાસો કર્યો. તેમણે દાવો કર્યો કે કેટલાક ફિલ્મમેકર્સ નૈતિક આધારે તેમની સાથે કામ કરવા તૈયાર હતા. પરંતુ થોડા અઠવાડિયા પછી એ જ લોકો ફોન કરીને પોતાની મજબૂરી જણાવતા હતા. અભિનેતાના જણાવ્યા મુજબ, ફિલ્મમેકર્સે કહ્યું કે તેમને અંડરવર્લ્ડ તરફથી ફોન આવ્યા હતા. ગેંગસ્ટર્સ ચેતવણી આપતા હતા કે જો તેમણે વિવેક સાથે ફિલ્મ બનાવી તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. વિવેકે કહ્યું કે ધમકીઓના કારણે તેમની સાથે કામ કરવા ઇચ્છુક લોકો પણ પીછેહઠ કરવા લાગ્યા. તેમના માટે કામના રસ્તા ધીમે ધીમે બંધ થતા ગયા. તેમણે કહ્યું કે તે સમય તેમના માટે અત્યંત પીડાદાયક હતો. તેમને સમજાતું નહોતું કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું હતું.

વિવેકે કહ્યું કે તેમને કામ મળવાનું એટલા માટે બંધ થયું નહોતું કે તેઓ સારું કામ કરી શકતા ન હતા. તેમણે કહ્યું કે આ મામલો તેમની પ્રતિભા, પર્ફોર્મન્સ અથવા કામ કરવાની રીત સાથે જોડાયેલો નહોતો, પરંતુ તેનું કારણ એવી પરિસ્થિતિઓ હતી, જેના પર તેમનું કોઈ નિયંત્રણ નહોતું. અભિનેતાના જણાવ્યા મુજબ, તેમણે પોતાના કામથી પોતાને સાબિત કર્યા હતા, પરંતુ તેમ છતાં પ્રોજેક્ટ્સ તેમના હાથમાંથી સરકતા ગયા. સૌથી દુઃખદ વાત એ હતી કે તેઓ પોતાની મહેનત અને પ્રતિભાથી આ સ્થિતિ બદલી શકતા નહોતા.

ઉલ્લેખનીય છે કે 2003માં વિવેક ઓબેરોયે સલમાન ખાન સામે પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા હતા. 1 એપ્રિલ 2003ના રોજ તેમણે દાવો કર્યો હતો કે સલમાને તેમને ફોન પર ધમકીઓ આપી હતી. તે સમયે વિવેક અને ઐશ્વર્યા રાયના સંબંધોની ચર્ચા હતી. ઐશ્વર્યા તે પહેલાં સલમાન સાથે રિલેશનશિપમાં હતી. હાલના પોડકાસ્ટમાં વિવેકે આ વિવાદને લઈને કોઈનું નામ લીધું નહોતું અને ન તો ઘટનાઓની સંપૂર્ણ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે ખોટા સામે ઊભા રહ્યા બાદ તેમને ઉદ્યોગમાં કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

વિવેક આ પહેલાં પણ ઘણા ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની લોબી અને જૂથબાજી વિશે વાત કરી ચૂક્યા છે. તેમના મુશ્કેલ સમયની અસર તેમના ફિલ્મી કરિયર ઉપરાંત અંગત જીવન પર પણ પડી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વિવેકે ગુસ્સા, દારૂ અને પોતાની જાત પ્રત્યે નફરતના તબક્કામાંથી પણ પસાર થવું પડ્યું હતું.