અભિનેતા વિવેક ઓબેરોય આજે 50 વર્ષના થયા છે. દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર હોવા છતાં તેમની ફિલ્મી સફર સરળ નહોતી. શરૂઆતના દિવસોમાં તેમણે સંઘર્ષ કર્યો અને ફિલ્મમેકર ફરાહ ખાનને મદદ પણ કરી.
મેશબલ ઇન્ડિયા સાથેની વાતચીતમાં વિવેકે જણાવ્યું હતું કે, તેણે રિહર્સલ રૂમ સાફ કરવાથી અને ડાન્સર્સ માટે ચા લાવવાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે એ પણ કહ્યું કે, તેણે ક્યારેય પોતાના પિતાની ઓળખનો ઉપયોગ કામ મેળવવા માટે કર્યો નહોતો.
વિવેક ઓબેરોયને 2002માં રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કંપની'થી બોલિવૂડમાં મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મ મુંબઈના અંડરવર્લ્ડ પર આધારિત હતી, જેમાં તેમણે ચંદુનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો અને તેમને ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો.
ત્યારબાદ 2002માં જ તેમણે 'રોડ' અને 'સાથિયા'માં કામ કર્યું. 'સાથિયા'માં રાની મુખર્જી સાથે તેમની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી. ફિલ્મ સફળ રહી અને વિવેકને શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું.
વિવેકે પોતાની કારકિર્દીમાં હીરો ઉપરાંત નેગેટિવ પાત્રોમાં પણ છાપ છોડી. 2006માં 'ઓમકારા'માં કેશુનો રોલ કર્યો, જ્યારે 2007માં 'શૂટઆઉટ એટ લોખંડવાલા'માં ગેંગસ્ટર માયા ડોલસનના પાત્રે ચર્ચા જગાવી. 2010માં 'રક્ત ચરિત્ર'માં પરિતાલા રવિની ભૂમિકા ભજવી, જેને ખૂબ પ્રશંસા મળી. 2013માં 'ક્રિશ 3'માં સુપરવિલન કાલનું પાત્ર પણ યાદગાર રહ્યું.
હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ વિવેકે કામ કર્યું. 2017માં તમિલ ફિલ્મ 'વિવિગમ'થી ડેબ્યૂ કર્યું. 2019માં મલયાલમ ફિલ્મ 'લ્યુસિફર'માં વિલન બોબીની ભૂમિકા ભજવી. તેમણે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું.
અભિનય ઉપરાંત વિવેક વ્યવસાયિક રીતે પણ સક્રિય છે. તેમની પાસે 'કર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' કંપની છે અને એડટેક, જ્વેલરી, સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોની લગભગ 29થી વધુ સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે ફિલ્મ પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. 2011માં 'દેખ ઇન્ડિયન સર્કસ' ફિલ્મ પ્રોડ્યુસ કરી, જેણે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓડિયન્સ ચોઇસ એવોર્ડ જીત્યો.
વિવેક ઓબેરોય ટીવી રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ'માં જજ તરીકે જોવા મળ્યા છે. તેમણે 'પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પણ ભજવી હતી. હાલમાં તેઓ 'રામાયણ'માં જોવા મળશે.