વિસનગરની કાંસા ચોકડી ખાતે ગુરુવારે (11 સપ્ટેમ્બર) વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. છોગાળા ગામે ધાર્મિક પ્રસંગે હવન કરાવવા જઈ રહેલા બે ભૂદેવને દૂધના ટેન્કરે અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાથી મોત થયું હતું.
વિસનગરના શ્રી હરિ ડુપ્લેક્ષમાં રહેતા અશોક નટવરલાલ ત્રિવેદી તેમજ ગાયત્રી રોયલ્સ બંગલોઝમાં રહેતા નવીન વ્યાસ એક્ટિવા પર છોગાળા ગામે હવન પૂજન માટે નીકળ્યા હતા. તેઓ કાંસા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે દૂધના ટેન્કરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ભયાનક હતી કે ટેન્કર એક્ટિવાને અંદાજે 100 મીટર સુધી ઢસડી ગયું હતું. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ફૂટેજમાં લોકો બૂમો પાડતા સંભળાય છે, છતાં વાહન ચાલુ રહ્યું હતું.
અકસ્માત બાદ ટેન્કરચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસ ભેગા થયેલા સ્થાનિકોએ પીછો કરીને ડ્રાઇવરને પકડી પાડ્યો હતો અને વિસનગર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક નવીન વ્યાસને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જ્યારે અશોક ત્રિવેદીને બે પુત્રો છે. ધાર્મિક કાર્ય માટે ઘરની બહાર નીકળેલા બંને ભૂદેવના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે.
આ અકસ્માત બાદ કાંસા ચોકડી વિસ્તારના ખરાબ રસ્તાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીંનો રસ્તો અત્યંત ખખડધજ થઈ ગયો છે અને રસ્તા પર સતત ધૂળની ડમરીઓ તથા કપચી ઉડે છે, જેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતોનું જોખમ રહેલું છે.