સત્ય. સાહસ. સંકલ્પ.

વિસાવદરમાં કાર-બાઇક ટક્કર, બે સગીર ભાઈઓના મોત

વિસાવદરમાં કાર-બાઇક ટક્કર, બે સગીર ભાઈઓના મોત

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બે સગીર માસીયાઈ ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. બંને બાઇક પર સવાર હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં રોડ પર લોહી વહેવા લાગ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, બંને સગીર કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા. તે સમયે કુબા રાવણી ગામ નજીક સામેથી આવી રહેલી કાર સાથે તેમના બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ સગીરોને સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા નહોતા.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. કાર ચાલકની બેદરકારી કે અન્ય કારણોસર આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

એકસાથે બે સગીરના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કુબા રાવણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શોકની લહેર છે.