જૂનાગઢ જિલ્લાના વિસાવદર નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ શાસિત આ નગરપાલિકાના મહિલા પ્રમુખ દયાબેન સોલંકી સામે 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.
દરખાસ્ત કરનારાઓમાં 14 ભાજપના અને 3 કોંગ્રેસના નગરસેવકોનો સમાવેશ થાય છે. બંને પક્ષના સભ્યો સાથે મળીને આ દરખાસ્ત લાવતા નગરપાલિકાના આંતરિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે.
દરખાસ્તમાં પ્રમુખ પર મનસ્વી રીતે વહીવટ ચલાવવાનો તથા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
નિયમ અનુસાર અવિશ્વાસની દરખાસ્ત મળ્યા બાદ હવે સામાન્ય સભા બોલાવવાની પ્રક્રિયા શરૂ થશે. પ્રમુખને સામાન્ય સભા બોલાવવા માટે 15 દિવસની સત્તા છે. જો આ સમયગાળામાં બેઠક ન બોલાવવામાં આવે તો ત્યારબાદ ઉપપ્રમુખને આગામી 15 દિવસ માટે કાર્યવાહી કરવાની સત્તા રહે છે. બેઠક યોજાયા બાદ અવિશ્વાસની દરખાસ્ત પર નિયમ મુજબ ચર્ચા અને નિર્ણય કરવામાં આવશે.
આ ઉપરાંત પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં પણ વિવાદ સામે આવ્યો છે. ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરે આરોપ લગાવ્યો છે કે પ્રમુખ ભાવનાબેન જોશીના નામના સ્થાને તેમના પતિ વિક્રમ જોશી વહીવટ કરે છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગંભીર આક્ષેપ સાથે રસ્તા-રસ્તા સહિતની સ્થિતિ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે.