સત્ય. સાહસ. સંકલ્પ.

મોબાઇલની લતથી બાળકોમાં 'વર્ચ્યુઅલ ઓટિઝમ': ગુજરાત સહિત 7 રાજ્યોમાં સરકારી થેરાપી કેન્દ્રોની હાલત ખરાબ

મોબાઇલની લતથી બાળકોમાં 'વર્ચ્યુઅલ ઓટિઝમ': ગુજરાત સહિત 7 રાજ્યોમાં સરકારી થેરાપી કેન્દ્રોની હાલત ખરાબ

બાળક રડ્યું એટલે હાથમાં મોબાઇલ પકડાવી દીધો. જમવામાં આનાકાની કરી કે તરત વીડિયો ચાલુ કરી દીધો. માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકને શાંત રાખવા ફોન આપી દેવો—કોવિડ બાદથી દેશના લાખો પરિવારોમાં આ સામાન્ય બની ગયું છે. જોકે, હવે એ જ પરિવારો ચિંતામાં છે.

બાળકોમાં મોડું બોલવું, આંખનો સંપર્ક ન કરવો, લોકો સાથે ભળવાનું ટાળવું અને હાઈપર એક્ટિવ થવા જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. તબીબો અને થેરાપિસ્ટ તેને 'વર્ચ્યુઅલ ઓટિઝમ' કહી રહ્યા છે; એટલે કે વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે બાળકોમાં ઓટિઝમ જેવાં લક્ષણો દેખાવાં.

સરકારી હોસ્પિટલોમાં વર્ચ્યુઅલ ઓટિઝમની સારવાર માટે શું વ્યવસ્થા છે તે જાણવા અમે તપાસ કરી. જાણવા મળ્યું કે ઓટિઝમની સારવાર માટે ઊભા કરાયેલા ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) ખાતે જ બાળકોનું પ્રારંભિક નિદાન, મૂલ્યાંકન અને થેરાપી થાય છે.

આરોગ્ય મંત્રાલયના 2023-24ના આંકડા મુજબ દેશમાં 430 DEIC કાર્યરત છે. ત્યારબાદ નવો કોઈ ડેટા જાહેર કરાયો નથી. આ સેન્ટરોમાં 21 પ્રકારની વિકલાંગતાની થેરાપી અપાય છે, પરંતુ તેમાં વર્ચ્યુઅલ ઓટિઝમનો સમાવેશ કરાયો નથી.

અમારી ટીમે દિલ્હી ઉપરાંત 6 રાજ્યોનાં પાટનગરમાં તપાસ કરી. સૌથી પહેલાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના DEIC પહોંચ્યા, જ્યાં થેરાપી સાથે સંકળાયેલા મોટાભાગના રૂમ પર તાળાં લટકતાં હતાં, કારણ કે જરૂરી સ્ટાફની ભરતી જ કરવામાં આવી નથી.

ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનાં પાટનગરમાં પણ સ્થિતિ આનાથી અલગ નથી. રાજસ્થાનમાં તો DEIC માત્ર કાગળ પર છે, જમીન પર તેનું નામોનિશાન નથી. બિહારમાં સેન્ટર માંડ બે રૂમમાં ધમધમે છે, તો દેશની રાજધાની દિલ્હીના DEICમાં પણ થેરાપિસ્ટોની ભારે અછત છે.

ભોપાલની સરકારી જયપ્રકાશ જિલ્લા હોસ્પિટલમાં આવેલા DEICમાં 2026માં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ઓટિઝમથી પીડિત 31 બાળકો આવ્યાં, પરંતુ તેમાંથી માત્ર એક જ કેસ વર્ચ્યુઅલ ઓટિઝમનો ગણવામાં આવ્યો. સેન્ટરમાં તેની ચોક્કસ ઓળખ માટે અલગ એસેસમેન્ટ ટૂલ જ ઉપલબ્ધ નથી. સવાલ એ થાય કે સાધન વગર આ કેસનું ડાયગ્નોસિસ કઈ રીતે થયું?

સેન્ટરમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર, પીડિયાટ્રિક અને ઓફ્થેલ્મિક આસિસ્ટન્ટની જગ્યા એક વર્ષથી ખાલી પડી છે. થેરાપિસ્ટના અભાવે સેન્સરી ઇન્ટિગ્રેશન એરિયા પર તાળું લાગેલું છે. આ એક વિશિષ્ટ રીતે ડિઝાઈન કરેલી થેરાપી સ્પેસ હોય છે.

સેન્ટર મેનેજર ઉજ્જવલ સિંહના જણાવ્યા અનુસાર, ખાલી પદો અંગે રાજ્ય સરકારને વારંવાર જાણ કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા એક વર્ષમાં કોઈ નવી નિમણૂક થઈ નથી.

ઉજ્જવલ સિંહ કહે છે, 'અમારી પાસે ઓટિઝમ અને વર્ચ્યુઅલ ઓટિઝમને અલગ તારવવાનું કોઈ ટૂલ નથી. આ માટે સ્પષ્ટ સરકારી ગાઈડલાઈનની જરૂર છે.'

વર્ચ્યુઅલ ઓટિઝમ અને મૂળ ઓટિઝમનાં લક્ષણો ઘણાં મળતાં આવે છે. બંનેના મૂલ્યાંકન માટે એક જ ટૂલ વપરાય છે, જેના કારણે વર્ચ્યુઅલ ઓટિઝમના દર્દીઓની ગણતરી પણ સામાન્ય ઓટિઝમમાં જ થઈ જાય છે. આ બાબત ચિંતાજનક છે, કારણ કે નિષ્ણાતોનું માનવું છે કે વર્ચ્યુઅલ ઓટિઝમ સંપૂર્ણપણે સાજું થવાની શક્યતા હોય છે, જ્યારે જન્મજાત ઓટિઝમ ક્યારેય પૂર્ણપણે મટતું નથી.

DEICના સાયકોલોજિસ્ટ ડૉ. નિમિતા દુબે જણાવે છે, 'ઓપીડી અને ફોલોઅપના વધતા કેસો સામે સ્ટાફ ખૂબ ઓછો હોવાથી દર્દીને અઠવાડિયામાં વારંવાર બોલાવવો શક્ય બનતો નથી. પરિણામે 15 દિવસે કે મહિને એક વાર ફોલોઅપ મળે છે. જો પૂરતો સ્ટાફ હોય અને બાળકને સમયસર યોગ્ય થેરાપી મળે તો ઝડપી સુધારો શક્ય છે.'

સરકારી સેન્ટરની વાસ્તવિકતા તપાસ્યા બાદ અમે ખાનગી ડાયગ્નોસિસ અને થેરાપી સેન્ટરોની કાર્યપદ્ધતિ સમજી. આ માટે અમે ભોપાલના 'RAVI સેન્ટર' પહોંચ્યા, જેનું સંચાલન તૃપ્તિ મંગલ કરે છે. તેઓ 15 વર્ષથી ઓટિઝમ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે અને તેમની દીકરી પણ ઓટિસ્ટિક છે.

તૃપ્તિ જણાવે છે, 'લોકડાઉન પહેલાં વર્ચ્યુઅલ ઓટિઝમના આખા વર્ષમાં માંડ 8થી 15 નવા કેસ નોંધાતા હતા. લોકડાઉન બાદ હવે દર મહિને 30થી 40 કેસ આવી રહ્યા છે. કેટલાક કિસ્સા તો અત્યંત ગંભીર હોય છે; બાળકો પોતાને ઇજા પહોંચાડવા, નોંચવા કે બચકાં ભરવા સાથે અન્યો પર હુમલો કરે છે.'