સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં વીરજી ઠુમ્મરનું અવસાન: દીકરી જેનીબેને આપ્યો અગ્નિદાહ, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

અમરેલીમાં વીરજી ઠુમ્મરનું અવસાન: દીકરી જેનીબેને આપ્યો અગ્નિદાહ, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું લાંબી બીમારી (કેન્સર) બાદ તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સાંજે વીરજી ઠુમ્મરના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને સ્મશાનગૃહ પહોંચી હતી. અંતિમયાત્રા દરમિયાન તેમની પુત્રી જેનીબેન ઠુમ્મર ભાવુક થઈને રડી પડ્યા હતા. તેમણે પિતાના પાર્થિવ દેહ પર પુષ્પ અર્પણ કર્યા બાદ અંતિમયાત્રાને કાંધ આપી હતી. સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પુત્રી જેનીબેને જ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.

વીરજી ઠુમ્મરના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં પક્ષ-વિપક્ષના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના નેતાઓએ હાજરી આપીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

31 મે 1959ના રોજ અમરેલીમાં જન્મેલા વીરજી ઠુમ્મરનું નામ દાયકાઓથી અમરેલીની રાજનીતિ સાથે જોડાયેલું રહ્યું છે. તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો વળાંક વર્ષ 2004માં આવ્યો, જ્યારે તેમણે અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવીને 2004થી 2009 સુધી લોકસભામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ લાઠી-બાબરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વિધાનસભામાં તેમની હાજરી 91.5 ટકા રહી હતી અને તેમણે 120 જેટલી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લઈને પ્રજાના પ્રશ્નો વાચા આપી હતી.

ખેડૂત પૃષ્ઠભૂમિમાંથી આવતા વીરજી ઠુમ્મરે હંમેશા જનહિત અને ખેડૂતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું. તેમનો રાજકીય વારસો તેમની પુત્રી જેની ઠુમ્મર આગળ ધપાવી રહ્યા છે, જેઓ 2015થી 2018 દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા હતા અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. વીરજી ઠુમ્મરના નિધનથી અમરેલીના રાજકારણના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.