વિક્રમ સંવત 2083ની શરૂઆત 10 નવેમ્બર, મંગળવારથી થઈ છે. જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી કન્યા રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિફળ જાણીએ.
દાંપત્યજીવનમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે. સંબંધોમાં શુષ્કતા વર્તાઈ શકે છે, ખાસ કરીને કન્યા લગ્નના જાતકોમાં આ અસર વધુ દેખાશે. બિનજરૂરી વાદવિવાદ અને અતિશય વિશ્લેષણથી જીવનસાથી સાથે અંતર ઊભું થઈ શકે છે. અવિવાહિત મિત્રો માટે એપ્રિલ સુધી સગાઈનો નિર્બળ યોગ છે.
આરોગ્ય અંગે વિશેષ ચિંતાની જરૂર નથી. જોકે બુધ, શનિ કે મંગળની દશા ચાલતી હોય તો નસ કે સ્નાયુની તકલીફ થઈ શકે. કન્યા લગ્ન ધરાવતા લોકોએ વાહન ધીમેથી ચલાવવું અને ઈજાનું જોખમ હોય તેવા સાહસિક કાર્યોથી દૂર રહેવું. વિદેશપ્રવાસ અને ધાર્મિક યાત્રાના યોગ છે, પરંતુ ટૂંકી યાત્રાઓ પાછળ ખર્ચ વધુ રહેશે.
વિદ્યાર્થીમિત્રોને ગ્રહોનો સાથ મળશે, તેથી પરીક્ષાનું પરિણામ અપેક્ષા મુજબ આવી શકે. જો મૂળ કુંડળી અભ્યાસ માટે બળવાન હોય અને મહાદશા અનુકૂળ ચાલતી હોય તો ટોપર તરીકે નવી ઓળખ મળી શકે. તર્ક, સૂઝબૂઝ અને વિશ્લેષણની ક્ષમતાનો અભ્યાસ અને કારકિર્દીમાં ઉપયોગ કરવો.
વેપારીમિત્રો માટે વર્ષની શરૂઆત શુભ રહેશે, પરંતુ 2027માં જૂન પછીનો સમય ખર્ચાળ રહી શકે. રીટેલ બિઝનેસમાં ઘરાકી કે ઓર્ડરમાં અસંતોષ કે વિલંબ થઈ શકે. ભાગીદારી માટે 2026 અને 2027 બંને વર્ષ ચડાવ-ઉતારવાળા રહેશે, તેથી સંતુલન જાળવવું. નોકરિયાત વર્ગ અને ખેડૂતો માટે સમય મિશ્ર ફળદાયી રહેશે.
સપનાનું ઘર ખરીદવાની ઈચ્છા હોય તો થોડી પ્રતીક્ષા કરવી. કન્યા લગ્નની કુંડળીવાળા મિત્રો માટે આ યોગ વધુ બળવાન છે. ભૂમિ-ભવનમાં રોકાણ કે રિનોવેશનનું આયોજન હોય તો ખર્ચ અંદાજ કરતાં વધી શકે, તેથી આર્થિક આયોજન કરવું. અતિશય વિશ્લેષણ નિર્ણયમાં વિલંબ કરાવી શકે, એપ્રિલ-મે સુધી પ્રતીક્ષા કરવી.
કર્મનિષ્ઠ અને પ્રામાણિક હોવ અને સત્ય માટે ન્યાયાલયના દ્વારે જઈ રહ્યા હો તો થોડી પ્રતીક્ષા કરો, સત્યની જીત નિશ્ચિત છે. જાણતાં-અજાણતાં અપરાધ થયો હોય અને પ્રાયશ્ચિત સાથે સમાધાન ઈચ્છતા હો તો મે-જૂન પછી મધ્યસ્થી દ્વારા માર્ગ નીકળી શકે. ધંધાકીય સ્પર્ધામાં શત્રુઓ તરફથી હેરાનગતિનો કોઈ વિશેષ યોગ નથી.
નોકરી-ધંધો કરતી આત્મનિર્ભર સ્ત્રીઓ માટે વર્ષની શરૂઆત શુભ રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં ખર્ચ વધશે, છતાં વ્યવહારો સચવાઈ રહેશે. એપ્રિલ સુધી ભાગીદારી અને જીવનસાથી સાથેના સંબંધોમાં સંતુલન જાળવવું. ઘરનું વાતાવરણ તંગ ન બને તે માટે તાર્કિક દલીલબાજી ટાળવી. નોકરી-ધંધાના મોટા નિર્ણયો સલાહ-વિચારણા કરીને લેવા.
પ્રેમમાં અતિશય વિશ્લેષણ ગૂંચવાડો કે વિલંબ ઊભો કરી શકે. 15 ડિસેમ્બર પછી સ્થિતિ અનુકૂળ થશે, ત્યાં સુધી ધીરજ રાખવી. પાત્ર યોગ્ય હોય તો એપ્રિલ/મે પછી ગોળધાણાનો યોગ છે. જો કોઈ પાત્રની પ્રતીક્ષા કરી રહ્યા હો તો 2027 દરમિયાન અન્ય જ્ઞાતિ કે સંસ્કૃતિના પાત્ર સાથે આકર્ષણનો યોગ ઊભો થઈ શકે, પરંતુ પરિવારની સંમતિ ન મળે તો પુનર્વિચાર કરવો.
ગત વર્ષે કે દિવાળીની રજાઓમાં લાંબી મુસાફરીનું આયોજન સ્થગિત થયું હોય તો ચિંતા ન કરશો, નવેસરથી આયોજન કરો. નવા વર્ષમાં વિલંબ પછી સફળતા મળી શકે. પર્યટનસ્થળ બદલવાથી પણ આયોજન થઈ શકે. દશા અનુકૂળ હશે તો લાંબી ધાર્મિક યાત્રા કે વિદેશ પ્રવાસની ઈચ્છા પૂરી થઈ શકે.
નવા વર્ષમાં બે ઉપાય કરવાના છે. 12 એપ્રિલ સુધી દર ગુરુવારે પીળી સરસવ કે હળદર મિશ્રિત જળથી સ્નાન કરવું, મીઠાઈ કે પીળી વસ્તુનું દાન કરવું અને ‘ૐ બૃહસ્પતિ દેવાય નમઃ’ મંત્રનો માનસિક જાપ કરવો. જૈન બંધુઓએ આદિનાથ ભગવાનની આરાધના કરવી. 13 એપ્રિલથી વર્ષાંત સુધી હનુમાનજીના કોઈ પણ મંત્રનો માનસિક જાપ કરવો અને દર શનિવારે વૃદ્ધો, વિકલાંગો કે અનાથોને યથાશક્તિ દાન આપવું. જૈન બંધુઓએ મુનિસુવ્રત ભગવાનની આરાધના વધારવી.
મે મહિના પછી નાની પનોતીની અસર માનસિક સ્તર પર વર્તાઈ શકે, જેની તીવ્રતા મૂળ કુંડળીના બળાબળ પર આધારિત છે. કાર્યો કે જવાબદારીનો અતિશય બોજ પણ માનસિક તાણ આપી શકે, તેથી પનોતી હંમેશાં નકારાત્મક જ હોય એવો ભ્રમ દૂર કરવો.