જો તમને રીલ્સ બનાવવાનો અને વીડિયો શૂટ કરવાનો શોખ હોય, તો વર્જિન ગ્રૂપે એક અનોખી નોકરીની જાહેરાત કરી છે. કંપનીએ 'હેડ ઓફ યસ' (Head of Yes) પદ માટે ઉમેદવારો માંગ્યા છે. પસંદગી પામનાર વ્યક્તિને દુનિયાભરમાં ફરવાની તક મળશે અને સાથે અંદાજે ₹95 લાખની કમાણી થશે.
આ જોબ માટે પસંદ થનાર ઉમેદવારે વિશ્વના વિવિધ સ્થળોએ પ્રવાસ કરવો પડશે, રોમાંચક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડશે અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર લોકો સુધી પહોંચાડવો પડશે. આ કામ માટે અમેરિકાના ઉમેદવારને 1 લાખ ડોલર અને બ્રિટનના ઉમેદવારને 75 હજાર પાઉન્ડ આપવામાં આવશે, જે ભારતીય ચલણમાં અંદાજે ₹95 લાખ થાય છે.
'હેડ ઓફ યસ' એ વર્જિન ગ્રૂપના 'વર્જિન રેડ' કાર્યક્રમનો ભાગ છે. આ પદ પરની વ્યક્તિએ મુસાફરી દરમિયાનના અનુભવોને ટૂંકા વીડિયો, ફોટા અને રસપ્રદ વાર્તાઓના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરવાના રહેશે. આ કામ માત્ર વીડિયો કે ફોટા પાડવા પૂરતું નથી, પરંતુ વાર્તા કહેવાની અને કન્ટેન્ટ બનાવવાની કળા પણ જરૂરી છે.
આ છ મહિનાનો કાર્યક્રમ જાન્યુઆરી 2027 થી શરૂ થશે. ખાસ વાત એ છે કે આ જોબ માટે લાખો ફોલોઅર્સ હોવા જરૂરી નથી. ઉમેદવારમાં સારી સ્ટોરીટેલિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને વીડિયો બનાવવાની આવડત હોવી પૂરતી છે.
અરજી કરવા માટે ઉમેદવારે પોતાના જીવનના કોઈ વાસ્તવિક અને પડકારજનક અનુભવ પર આધારિત શોર્ટ વીડિયો બનાવવાનો રહેશે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટિકટોક પર અપલોડ કરતી વખતે #HeadOfYes હેશટેગનો ઉપયોગ કરવો પડશે અને @Virgin એકાઉન્ટને ટેગ કરવાનું રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર, 2026 રાત્રે 11:59 વાગ્યા સુધીની છે.
વધુ માહિતી માટે વર્જિન ગ્રૂપની અધિકૃત વેબસાઇટ જોઈ શકાય છે.