ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે એક નવી શરૂઆત કરી છે. ક્રિકેટના મેદાન પર પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતતા કોહલી હવે પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર સક્રિય થયા છે. તેમની પ્રોફાઇલ અને પહેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
કોહલીએ તેમની LinkedIn પ્રોફાઇલના બાયોમાં ક્રિકેટ સાથેના 18 વર્ષના સંબંધનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે પિચ 18 વર્ષથી તેમનું ઘર રહી છે. આ 22 યાર્ડની પિચે માત્ર તેમની રમત જ નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વને પણ ઘડ્યું છે. તેમના મતે, ક્રિકેટમાંથી મળેલા અનુભવોએ તેમને આજે જે વ્યક્તિ છે તે બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
LinkedIn પરની પહેલી પોસ્ટમાં કોહલીએ ભારતમાં રમતગમતના ભવિષ્ય અંગેનું તેમનું વિઝન રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ એવા ભારતની કલ્પના કરે છે, જ્યાં દરેક રમતને પ્રેમ મળે, તેનું સન્માન થાય અને લોકો તેને રમે. તેમના જણાવ્યા અનુસાર, નવી પેઢી સાબિત કરી રહી છે કે ભારત વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ તૈયાર કરી શકે છે અને વૈશ્વિક સ્તરે પોતાની બ્રાન્ડ પણ સ્થાપિત કરી શકે છે.
કોહલીએ ભારતમાંથી એક મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ઊભું કરવાની વાત કરી છે, જેમાં રમતગમતના સાધનો, કપડાં અને કીટનો સમાવેશ થાય. હાલમાં તે સ્પોર્ટ્સવેર બ્રાન્ડ Agilitasમાં રોકાણકાર છે અને one8worldના સહ-સ્થાપક પણ છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનુસરેલી વિચારધારા વિશે વાત કરતાં કહ્યું કે વિકાસ માટે મર્યાદાઓથી આગળ વધવું અને કંઈક અલગ કરવાની હિંમત રાખવી જરૂરી છે.
કોહલીની LinkedIn પરની એન્ટ્રી તેમની ક્રિકેટ કારકિર્દીથી આગળના બિઝનેસ રસને પણ દર્શાવે છે. તેમની પહેલી પોસ્ટમાં ભારતને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ દેશ તરીકે સ્થાન અપાવવાની મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ જોવા મળે છે.