સત્ય. સાહસ. સંકલ્પ.

કેરળમાં વિરાટ કોહલીનું ભવ્ય સ્વાગત, 27 સપ્ટેમ્બરે પ્રથમ વનડે

કેરળમાં વિરાટ કોહલીનું ભવ્ય સ્વાગત, 27 સપ્ટેમ્બરે પ્રથમ વનડે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બુધવારે તિરુવનંતપુરમ પહોંચી ગયો છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ આગામી ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા કોહલી કેરળ પહોંચતાં જ ચાહકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ પર પોતાના ફેવરિટ ક્રિકેટરની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા.

એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા કર્મચારીઓએ કોહલીના ચાહકોને ટર્મિનલ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની હોટલ માટે રવાના થયો હતો. હોટલમાં સ્ટાફ દ્વારા તેનું પારંપરિક અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી વનડે 30 સપ્ટેમ્બરના રોજ ગુવાહાટીમાં અને ત્રીજી મેચ 3 ઓક્ટોબરના રોજ મુલ્લાનપુરમાં રમાશે. આ સીરિઝ ભારતની 2027ની વનડે વર્લ્ડકપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વનડે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીને લઈને ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. બંને દિગ્ગજોએ ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ વનડે ક્રિકેટમાં તેમની સફળતા ચાલુ છે. 2027 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને બંને ખેલાડીઓના ભવિષ્ય અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પસંદગીકારો યુવા ખેલાડીઓને પણ અજમાવી રહ્યા છે, પરંતુ હાલ માટે કોહલી અને રોહિતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝ માટે ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

વનડે સીરિઝ બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ પણ રમાશે.