ક્રિકેટના મેદાન પર લાંબા સમયથી બોલરો પર પ્રભુત્વ જમાવતા વિરાટ કોહલીએ હવે વ્યાવસાયિક જગતમાં પ્રવેશ કર્યો છે. સોશિયલ મીડિયા પર પહેલેથી સક્રિય રહેતા કોહલીએ 13 ઓક્ટોબરે લિંક્ડઈન પર પહેલી પોસ્ટ શેર કરી, જે ઝડપથી ચર્ચાનો વિષય બની ગઈ.
લિંક્ડઈન સામાન્ય રીતે નોકરી શોધવા અને વ્યાવસાયિક નેટવર્કિંગ માટે વપરાય છે. પરંતુ કોહલી અહીં ક્રિકેટર તરીકે નહીં, પરંતુ ઉદ્યોગસાહસિક (entrepreneur) અને રોકાણકાર (investor) તરીકે ઉતર્યા છે.
પોતાની પ્રથમ પોસ્ટમાં તેમણે ભારતને ‘વૈશ્વિક સ્પોર્ટ્સ પાવરહાઉસ’ બનાવવાની દૂરંદેશી રજૂ કરી. તેમણે લખ્યું, “મેં હંમેશાં એવા ભારતની કલ્પના કરી છે જ્યાં દરેક રમતને અનુસરવામાં આવે, ઉજવવામાં આવે અને રમવામાં આવે. આજે, તે સ્વપ્ન પહેલાં કરતાં વધુ નજીક જણાય છે.”
કોહલીએ સમજાવ્યું કે રમતગમતની બહારની તેમની આ ‘બીજી ઇનિંગ’ માત્ર વૈશ્વિક સ્તરના ખેલાડીઓ તૈયાર કરવા પૂરતી નથી, પણ ભારતમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ ઊભી કરવા વિશે છે. આ દિશામાં તે ‘એજિલિટાસ સ્પોર્ટ્સ’ (Agilitas Sports) માં રોકાણકાર તરીકે જોડાયા છે અને પોતાની બ્રાન્ડ ‘વન8વર્લ્ડ’ (one8world) ના સહ-સ્થાપક છે.
પોસ્ટના અંતે તેમણે લખ્યું, “વિઝન સ્પષ્ટ છે—હવે કંઈક એવું બનાવવાનો સમય છે જે આપણા બધા પછી પણ કાયમ ટકી રહે.” આ વાક્યને ચાહકો અને ઉદ્યોગજગતના અગ્રણીઓએ વધાવી લીધું.
પોસ્ટ વાયરલ થતાં યુઝર્સે પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે પૂછ્યું, “વિરાટ, શું તમારું ક્રિકેટ રમીને મન ભરાઈ ગયું છે?” અન્યે મજાકમાં કહ્યું, “લાગે છે વિરાટ હવે 9 થી 5ની નોકરી કરવા જઈ રહ્યા છે.”