ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા લગાવવામાં આવેલા આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. તેમની ટીમે બુધવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વિરાટ કોહલી અંગે કરવામાં આવેલા તમામ દાવા સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ દાવા તથ્યોની દૃષ્ટિએ પણ ખોટા છે. વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજજીને માત્ર પોતાની ઊંડી આસ્થા અને શ્રદ્ધાને કારણે મળવા જાય છે, તેમાં કોઈ આર્થિક વ્યવહાર નથી.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ ફલાહારી મહારાજે આરોપ લગાવ્યો હતો કે એક જૂથે વિરાટ કોહલીને 5 કરોડ રૂપિયા આપીને પ્રેમાનંદ મહારાજના દરબારમાં બોલાવ્યો હતો. આ અંગેનો એક પત્ર પણ ચર્ચામાં આવ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સંત પ્રેમાનંદ મહારાજના ભક્તો છે અને ઘણી વખત વૃંદાવનમાં તેમના દર્શન કરવા ગયા છે. છેલ્લી વખત બંને ગુરુ પૂર્ણિમા પહેલાં 22 જુલાઈએ સંત પ્રેમાનંદ મહારાજના નવા આશ્રમ યમુના વિહાર કુંજ પહોંચ્યા હતા. બંનેએ ચહેરા પર માસ્ક લગાવીને ખુલ્લા પગે આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. વરસાદને કારણે રસ્તા પર કાદવ હતો, ત્યારે વિરાટ અનુષ્કાનો હાથ પકડીને કાદવમાં ચાલતા જોવા મળ્યા હતા.