સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈના વિરારમાં ત્રણ ગુજરાતી ભાઈ-બહેનોનું મૃત્યુ, બીમારી અને આર્થિક તકલીફ વચ્ચે ઝેર પીવાની શંકા

મુંબઈના વિરારમાં ત્રણ ગુજરાતી ભાઈ-બહેનોનું મૃત્યુ, બીમારી અને આર્થિક તકલીફ વચ્ચે ઝેર પીવાની શંકા

મુંબઈના વિરાર-વેસ્ટ વિસ્તારમાં રહેતા ત્રણ ગુજરાતી ભાઈ-બહેનોનું મૃત્યુ થયું છે. ત્રણેય મૂળ ગુજરાતના રાજુલા તાલુકાના જાફરાબાદના વતની હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયે બીમારી અને આર્થિક તકલીફથી કંટાળીને ઝેર પી લીધું હોવાની શંકા છે.

મૃતકોની ઓળખ 50 વર્ષના કુમાર મહેતા, 52 વર્ષના દીપેશ મહેતા અને 48 વર્ષના ખેવના મહેતા તરીકે થઈ છે. ત્રણેય અપરિણીત હતા અને વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં ગાર્ડન એવન્યુ બિલ્ડિંગના ડી વિંગના ફ્લેટ નંબર 1203માં ભાડે રહેતા હતા. વર્ષ 2025થી તેઓ આ ફ્લેટમાં રહેતા હતા.

ગુરુવારે સવારે ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. આ જોઈને રહેવાસીઓએ પોલીસને જાણ કરી. બોલિંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બપોરે આશરે અઢી વાગ્યે દરવાજો તોડીને ફ્લેટમાં પ્રવેશ કર્યો. અંદર ત્રણેયના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યા હતા.

બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ કાવલેએ જણાવ્યું કે, ત્રણેયે આશરે ત્રણ-ચાર દિવસ પહેલાં ઝેર પીને જીવન ટૂંકાવ્યું હોવાની શંકા છે. પોલીસને મૃત્યુ પહેલાં ગુજરાતીમાં બનાવેલો એક વીડિયો પણ મળ્યો છે, જેમાં ત્રણેયે બીમારી અને આર્થિક તકલીફનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણમાંથી એકને સ્ટ્રોક આવ્યો હતો, જ્યારે બીજા એકને કેન્સર હતું. પોલીસે મૃતકોની એક બહેનનો સંપર્ક કર્યો હતો. તેણે જણાવ્યું કે ત્રણેય આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમની પાસેથી પણ પૈસાની મદદ માંગી હતી.

બોલિંજ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.