અમદાવાદ નજીકના વિરમગામમાં રેલવે ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન તેમાંથી પસાર થઈ ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, ફાટક ખુલ્લું હતું અને તે સમયે ટ્રેન આવી પહોંચી. ટ્રેન આવતી જોઈને વાહનચાલકોએ સતર્કતા દાખવી પોતાનાં વાહનો રોકી દીધાં. જોકે, ફાટક બંધ ન થયું હોવા છતાં ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ. આ ઘટનાથી આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
સદનસીબે વાહનચાલકોની સમયસૂચકતાને કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. પરંતુ જો કોઈ વાહન ટ્રેનની અડફેટે આવ્યું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાએ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ જવાબદાર કર્મચારીઓ સામે શું કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેવાશે તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે. રેલવે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.