સત્ય. સાહસ. સંકલ્પ.

વિરમગામમાં વીજલાઈન સામે ખેડૂતોની વિશાળ રેલી, સુરક્ષા અને યોગ્ય વળતરની માગ

વિરમગામમાં વીજલાઈન સામે ખેડૂતોની વિશાળ રેલી, સુરક્ષા અને યોગ્ય વળતરની માગ

અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં પાવર ગ્રીડ અને જેટકોની હેવી વીજલાઈન તથા વીજપોલ સામે ખેડૂતોએ ફરી વિરોધ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે ખેડૂતોએ વિશાળ આક્રોશ રેલી યોજીને વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

ખેડૂતોની મુખ્ય માગ છે કે ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજલાઈન માટે યોગ્ય વળતર અને સુરક્ષાની ખાતરી આપવામાં આવે. તેમનું કહેવું છે કે વીજ કંપની દ્વારા ખેડૂતોને સુરક્ષા સાથે ખેતરોમાં જવા કહેવામાં આવે છે, પરંતુ હાઈ વોલ્ટેજ લાઈનને કારણે તેમના જીવ જોખમમાં મુકાય છે. વીજલાઈન દૂર કરવી અથવા યોગ્ય વળતર સાથે ખેડૂતોને જીવન વીમો આપવાની માગ પણ ઉઠાવવામાં આવી છે.

આ ઉપરાંત અતિવૃષ્ટિથી પાકને થતા નુકસાન અને જમીન ધોવાણનો મુદ્દો પણ ખેડૂતોએ ઉઠાવ્યો હતો. સતત પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની છે. પાક નુકસાનીનું વળતર મળવું જોઈએ એવી માગ તેમણે કરી છે.

વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. મોરબી અને અમદાવાદના ખેડૂતોને મળતા વળતરમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાં નીકળતી વીજલાઈન તેમના માટે જીવનું જોખમ બની રહી છે. વીજ કંપનીના અધિકારીઓ સામે પણ ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ખેડૂતોએ આ જ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. છતાં તેમની માગણીઓનો ઉકેલ ન આવતાં ખેડૂતોમાં ફરી આક્રોશ જોવા મળી રહ્યો છે.