સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે અંતિમયાત્રા

અમરેલી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે અંતિમયાત્રા

અમરેલી: ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું આજે લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા. તેમના નિધનના સમાચારથી કૉંગ્રેસ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

વિરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે તેમના નિવાસસ્થાનથી નીકળશે.

વિરજી ઠુમ્મર 2004થી 2009 સુધી અમરેલીના સાંસદ હતા. 2017થી 2022 સુધી તેઓ લાઠી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કૉંગ્રેસમાં તેઓ પાટીદાર સમાજના કદાવર નેતા તરીકે જાણીતા હતા.

કૉંગ્રેસ નેતા લલિત વસોયાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસને મોટી ખોટ પડશે. વિરજી ઠુમ્મર હંમેશા ખેડૂતો અને સમાજ માટે લડતા રહ્યા છે. કૉંગ્રેસમાં તેમની લડાયક નેતા તરીકેની છાપ હતી. લલિત વસોયા અને લલિત કગથરાએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

લલિત કગથરાએ કહ્યું કે, વિરજી ઠુમ્મર જમીન સાથે જોડાયેલા નેતા હતા. પાટીદાર સમાજના મોભી હતા. તેમણે અનેક સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી.

ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજને પણ મોટી ખોટ પડી છે. અમરેલી ભાજપના સાંસદ ભરતભાઈ સુતરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, વિરજીભાઈ હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતા હતા. તેમનું નિધન સમગ્ર ગુજરાત અને કૉંગ્રેસ પરિવાર માટે મોટું નુકસાન છે. તેમની સાદગી, સમર્પણ અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા હંમેશા યાદ રહેશે. ભગવાન તેમના દિવંગત આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવાર, પ્રિયજનો અને અસંખ્ય સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

વિરજી ઠુમ્મર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાન હતા અને વિવિધ સહકારી સંસ્થાઓ તથા રાજકીય ક્ષેત્રે સક્રિય સેવા આપી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં તેઓ હંમેશા ખેડૂતો અને સમાજ માટે લડતા રહ્યા છે.